રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપરમાં સગીરા ઉપર રેપની ફરિયાદ કરવા ગયેલ આખા પરિવારને નગ્ન કરી પોલીસ સ્ટેશનમાં જ ઢોરમાર માર્યો

05:01 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્ર ગુજરાતમાં દરરોજ બળાત્કારની છ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પરંતુ આવી ઘટનાઓમાં પોલીસ તંત્ર ઘણી વખત ગંભીરતા લેવાના બદલે ભોગ બનનાર અને તેના પરિવારજનો ઉપર જ અમાનુષી ત્રાસ ગુજારતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવી વધુ એક ઘટના હાઈકોર્ટ સુધી પહોંચી છે. રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે રહેતાં શ્રમિક પરિવારની સગીરાને પરપ્રાંતિય શખ્સે ધાક ધમકી આપી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની પરિવારજનોને જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતાં પરંતુ પરિવારને પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ઢોર માર મારી બળજબરીથી સમાધાનના કાગળો પર સહી કરાવી લીધી હતી. જે અંગે હાઈકોર્ટમાં રીટ દાખલ કરતાં હાઈકોર્ટે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને નોટિસ ફટકારી 15મીએ હાજર રહેવા હુકમ કર્યો છે.

Advertisement

આ ચકચારી ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ નજીક આવેલ શાપર વેરાવળ બુધ્ધનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષની પુત્રીને તેના જ ભાઈના મિત્રએ ફસાવી તેના પર ધાક ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.છ માસથી ભાઈનું અપહરણ કરી બિહાર લઈ જવાની ધમકી આપી ભાઈનો જ મિત્ર શારીરિક શોષણ કરતો હતો અને ગત તા.11-2-2024નાં રાત્રિનાં સુરજ નામનો પરપ્રાંતિય શખ્સ સગીરાના ઘરમાં ઘુસી જતાં પરિવારજનોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટનાની તા.12-2-2024નાં ભોગ બનનાર સગીરા અને તેના પરિવારજનો શારપ વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયા હતાં. પરંતુ ફરજ પરના સબ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ડાભી સહિતના પોલીસ કર્મચારીઓએ આખો દિવસ ભોગ બનનાર બાળા અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા અને બાદમાં ભોગ બનનારની હાજરીમાં જ પરિવારને નગ્ન કરી પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હોવાનું ભોગ બનનાર પિતાએ ‘ગુજરાત મિરર’ને માહિતી આપતાં જણાવ્યું હતું.

બળાત્કારની ફરિયાદ કરવા ગયેલા પરિવારની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવાના બદલે ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ જેવો ઘાટ સર્જાયો હતો અને પોલીસ કર્મચારીઓએ બળજબરીથી ભોગ બનનાર બાળા અને તેના પરિવારજનો પાસેથી સમાધાનના કાગળો પર લખાણ કરાવી બળજબરીથી સહી કરાવી લીધી હતી.શાપર-વેરાવળ પોલીસ મથકમાંથી ન્યાય નહીં મળતાં બીજા દિવસે પરિવારજનો રેસકોર્ષ પાસે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભોગ બનનાર બાળા અને તેના પરિવારજનોને કડવો અનુભવ થયો હતો.

આ ઘટના સંદર્ભે ભોગ બનનાર બાળાના પરિવારજનો દ્વારા એન.જી.ઓ.મારફતે ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવી તમામ પુરાવા સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરતાં હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓને નોટિસ ઈસ્યુ કરી 15મી માર્ચે હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસ વડાને રજૂઆત કરવા ગયેલા પરિવારને આખો દિવસ બેસાડી રાખ્યો

શાપર-વેરાવળ ખાતે રહેતી 17 વર્ષની સગીરાને ધાક ધમકી આપી તેના પર ભાઈના જ મિત્રએ દુષ્કર્મ આચર્યાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતાં પરંતુ ભોગ બનનાર બાળાની કે પરિવારજનોની પોલીસે ફરિયાદ સાંભળવાના બદલે ઉલટાના મારમારી નગ્ન કરી બળજબરીથી સમાધાનના કાગળો કરાવી લેતાં આ બનાવ સંદર્ભે પરિવારજનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસ વડાની કચેરીએ આખો દિવસ શ્રમિક પરિવારને બેસાડી રાખ્યા હતા અને તેમની કોઈ જ રજૂઆત કે ભોગ બનનાર પરિવારને જિલ્લા પોલીસ વડાને મળવા પણ દીધા ન હતાં તેવો આક્ષેપ ભોગ બનનાર સગીરાના પિતાએ કર્યો હતો.

પીડિતાને ન્યાય અપાવવા એનજીઓ આગળ આવી

શાપર-વેરાવળમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની પોલીસે ફરિયાદ લેવાના બદલે બળજબરીથી સમાધાનના કાગળો પર સહી કરાવી લીધા બાદ પરિવારનું કોઈએ નહીં સાંભળતા આ ઘટનાની જાણ થતાં એક એનજીઓ આગળ આવી હતી અને પીડિતાને ન્યાય અપાવવા તમામ પૂરાવા સાથે ફહાઈકોર્ટમાં રીટ દાખલ કરાવી છે. આ ઘટનાએ પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement