For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારીના ખાતામાંથી રૂા.45 લાખ ઉપાડી કર્મચારી ગાયબ

06:24 PM Mar 14, 2024 IST | Bhumika
વેપારીના ખાતામાંથી રૂા 45 લાખ ઉપાડી કર્મચારી ગાયબ
  • 9 મહિનાથી પેઢીમાં રાખેલા કર્મચારીને સેલ્ફનો ચેક આપવાની ભૂલ ભારે પડી

શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતાં વેપારીને નવ મહિનાથી પેઢીમાં રાખેલા કર્મચારીને સેલ્ફનો ચેક આપવાની ભૂલ ભારે પડી હતી.
કર્મચારીને ચેક આપી બેંકમાં નાણા ઉપાડવા મોકલ્યા બાદ તે કર્મચારી વેપારીની ખાતામાંથી 45 લાખની રોકડ ઉપાડી ગાયબ થઈ ગયો હતો. આ અંગે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે પામ સિટી ફલેટ નં.602માં રહેતા અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં ભાટીયા એન્ડ સન્સ નામની પેઢી ધરાવતાં રોનકભાઈ વિનોદરાય ઉદેશી (ઉ.33) નામના વેપારીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કર્મચારી અમીત ઉર્ફે લાલો હિંમતસિંહ ડાભીનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે સવારે તેઓ કામ સબબ પોરબંદર ગયા હતાં. અને તેમને ધંધાના કામ માટે નાણાની જરૂરીયાત હોય અને પરત રાજકોટ પહોંચવામાં મોડુ થઈ જવાનું હોય જેથી તેમણે તેની પેઢીમાં કામ કરતાં આરોપી અમીત ડાભીને ફોન કરી જણાવેલું કે તમને જે ચેક આપેલો છે તે લઈ યુનિવર્સિટી રોડ પર બેંક ઓફ બરોડાની બ્રાંચ ખાતે પહોંચો અને હું જાણ કરું પછી તેમાં રકમ ભર જો’ તેમ કહ્યું હતું. ત્યારબાદ આરોપી બેંકે પહોંચતાં તેમણે રૂા.45 લાખ ચેકમાં ભરી સેલ્ફનો ચેક બેંકમાં આપી પૈસા રોકડા લેવાનું જણાવ્યું હતું. અને કેશીયર સાથે ફોનમાં વાત કરી અમીતભાઈને પૈસા આપી દેવાનું કહ્યું હતું.

ત્યારબાદ આરોપી અમીતે કોઈ ફોન ન કરતાં વેપારીએ બેંકના એશીયરને ફોન કરી પુછતાં તેમણે જણાવેલું કે અમીતભાઈને પૈસા આપી દીધા છે અને તેઓ બેંકેથી કયારના નીકળી ગયા છે. જેથી વેપારીએ અમીતને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હોય જેથી તેઓને શંકા જતાં તાત્કાલીક પોરબંદરથી રાજકોટ દોડી આવ્યા હતાં. ત્યારબાદ આરોપી અમીતની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં આરોપીના હાથમાં આટલી મોટી રકમ આવતાં તેની દાનત બગડતાં રૂપિયા લઈ ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું. જેથી વેપારીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે માયાણીનગર ચોકમાં રહેતા આરોપી અમિત ઉર્ફે લાલો ડાભી વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement