રેસકોર્સમાં એમબ્રેસિંગ પેરિસ-2024 કાર્યક્રમ યોજાયો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતનાએ આર્ચરી ઉપર હાથ અજમાવ્યો
આજથી દુનિયાભરમાં વિવિધ રમતોના રમતવીરોનો મહાકુંભ એવા પેરિસ ઓલિમ્પિક -2024નો શુભારંભ થવાનો છે, ત્યારે ભારતીય ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂૂ પાડવા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે એમબ્રેસિંગ પેરિસ-2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કક્ષાની રમતગમત શાળા (ઉકજજ) ની વિદ્યાર્થિનીઓએ હોકી, સોફ્ટબોલ, રોપ સ્કિપિંગ, જુડો, માર્શલ આર્ટ્સ, ટેકવોંડો, આર્ચરી અને યોગના વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું. આ બાળકીઓમાંથી પ્રેરણા લઈને ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમિનભાઈ ઠાકર, અગ્રણી લીલુબેન જાદવ વગેરેએ આર્ચરી પર હાથ અજમાવ્યો હતો.
આ પ્રસંગે રમત અધિકારી રમા મદ્રા, રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન લીમીટેડના ચીફ ઓપરેટીંગ ઓફિસર રાજદિપસિંહ જાડેજા, કોર્પોરેશનના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી કે. બી. ઉનાવા, હોકી એસો. ના પ્રમુખ મહેશભાઈ દિવેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનુય છે કે, પેરિસ ઓલિમ્પિક - 2024માં જેવેલીયન થ્રો, શુટીંગ, આર્ચરી, બેડમિન્ટન, વેઈટ લિફ્ટીંગ, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, સેઈલીંગ, સ્વિમીંગ અને ટેબલ ટેનિસ જેવી 16 રમતોમાં 69 ચંદ્રકો માટે 16 દિવસ સુધી ભારતના 112 રમતવીરો દેશનો તિરંગો લહેરાવવા થનગની રહ્યા છે. ગુજરાતના ત્રણ ખેલાડીઓ પૈકી બે ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ અને માનવ ઠક્કર તથા શૂટિંગ 10 મિટર એર રાઇફલ પ્લેયર ઇલાવેનિલ વાલારિવાનને રાજય સરકારની શક્તિદૂત યોજના અંતર્ગત રૂૂ. 10 લાખની સહાય આપવામાં આવી છે.