4 નિર્દોષનો ભોગ લેનાર ડ્રાઇવરે કહ્યું, બ્રેક નહીં લાગતાં અકસ્માત સર્જાયો !
સારવારમાંથી રજા અપાતા ડ્રાઇવરની ધરપકડ, પુછપરછમાં ફરતું ફરતું બયાન: નોકરીના 14 કલાકને કારણે ધ્યાન ભંગ થતા એકસેલેટર ઉપર પગ દબાઇ ગયાનું અનુમાન : પોલીસ
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ચાર દિવસ પહેલાં આઠેક વાહનોને હડફેટે લઈ બે મહિલા સહિત ચારને કચડી નાખનાર અને બાળકી સહિત પાંચને ઘાયલ કરનાર ઈલેકટ્રીક સિટી બસના ડ્રાઈવર શિશુપાલસિંહ દિલુભા રાણા (ઉ.વ.37, રહે. રતનપર) આજે સિવીલમાંથી સારવારમાંથી રજા આપ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી.ગત બુધવારે સવારે બનેલી અકસ્માતની આ ઘટનાથી શહેરભરમાં ઉહાપોહ મચી ગયો હતો.
ઉશ્કેરાયેલા ટોળાએ સિટી બસના ડ્રાઈવર શિશુપાલસિંહને બસમાંથી બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેને છોડાવવા વચ્ચે પડેલી ટ્રાફિક બ્રાંચના જમાદાર ઉપર પણ હુમલો કરી તેને ભગાડી દીધો હતો.ટોળાએ કરેલા હુમલામાં ઘાયલ શિશુપાલસિંહને સિવીલમાં ખસેડાયો હતો.જ્યાં તેની ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજે તે સારવાર મુકત થતાં ગાંધીગ્રામ પોલીસે તેની વીધીવત ધરપકડ કરી હતી. તેના વિરુધ્ધ સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધાયેલો છે.
ઝોન-રના ડીસીપી જગદિશ બાંગરવાએ જણાવ્યું કે આરોપી ડ્રાઈવર ખરેખર કયા કારણથી અકસ્માત થયો તે બાબતે કોઈ ચોકકસ વિગતો જણાવતો નથી. ડ્રાઇવરે પોલીસ સમક્ષ ફરતુ ફરતુ બયાન આપતા જણાવ્યુ હતુ કે બસની બ્રેક અંગે અને લીવર અંગે મનપાનાં જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી. અકસ્માત સમયે બ્રેક નહીં લાગ્યાનું રટણ કરી રહ્યો છે. પરંતુ એવું લાગે છે કે તેનું ધ્યાન ભંગ થતાં એકસેલેટર ઉપર પગ દબાઈ જતાં અકસ્માત સર્જાયો છે.
એવી પણ માહિતી મળી છે કે,આરોપી ડ્રાઈવરની નોકરી સવારે 5.30 થી સાંજે 7.30 સુધી હતી. આ રીતે તેની કુલ 14 કલાક જેટલી નોકરી હતી. જેને કારણે કદાચ પુરતી ઉંઘ પણ ન થતી હોય તેવી શકયતા નકારાતી શકાય તેમ નથી.ઉલ્લેખનીય છે કે આ ઘટનાને કારણે શહેરમાં બેફામ ડ્રાઈવીંગ કરતા સિટી બસના ચાલકો સામે લોકરોષ ભભૂકી ઉઠયો હતો.
કંપનીના કર્મચારીઓની જવાબદારી ફિક્સ થયા બાદ ગુનો નોંધાશે: પોલીસ
ઇન્દીરા સર્કલ પાસે બુધવારે અકસ્માત સર્જી ચાર - ચાર લોકોની જીંદગી લઇ લેનાર ડ્રાઇવર શીશુપાલને ગઇકાલે સિવીલ હોસ્પીટલમાથી રજા અપાતા તેની વિધીવત રીતે ધરપકડ કરવામા આવી હતી. હાલ તેમની પુછપરછ કરવામા આવી રહી છે ત્યારે બીજી બાજુ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ મેઘાણીએ વાતચીત દરમ્યાન જણાવ્યુ હતુ કે હાલ વિશ્ર્વમ કંપનીનાં જવાબદાર અધીકારીઓ અને કર્મચારીઓનાં નિવેદન લેવાય રહયા છે. આ ઘટના અંગે જવાબદારી ફીકસ થયા બાદ તેમની સામે ગુનો નોંધવામા આવશે. જેમ કે ડ્રાઇવરનુ લાયસન્સ ચેક કરવુ અને ડ્રાઇવરની ભરતી કોણે કરી ? તે સહીતનાં મુદા આવરી લેવામા આવશે.