5-G ગુજરાતનુ સ્વપ્ન: ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત
વિકિસત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ, 25 વર્ષ માટે રાજ્યના ભાવિ લક્ષ્યાંકો નક્કી
વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇનું પ્રવચન: દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો વધીને 8.2 ટકાએ પહોચ્યો
વિધાનસભામાં બજેટ રજુ કરતા નાણામંત્રીએ પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.89%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત2047 નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળેતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.
આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-જી ગુજરાત બને. તેઓની 5-જીની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય.
ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય.
વિકસિત ભારત 2047 માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત 2047 નો વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજયના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.
વિકસિત ગુજરાત 2047 ની આ સંકલ્પનાના બે મુખ્ય પાયા છે. વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડોયુકત જીવનસ્તર ઉપલબ્ધ કરાવી રાજયના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું, તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી, તે દ્વિતીય પાયો છે.વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની અમારી સરકારની નેમ છે.