જિલ્લા પોલીસ વડા અને આઈજીને ફરી પોલીસ સ્ટાફની બદલીની સત્તા સોંપાઈ
જિલ્લા અને રેન્જમાં બદલીનો હવાલો ડીજીપીએ પોતાની પાસે લીધા બાદ નવો પરિપત્ર જાહેર
ગુજરાતમાં જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીને પોતાના તાબા હેઠળના પોલીસ કર્મચારીઓની બદલીની સત્તા આંચકી ડીજીપીએ પોતાના હસ્તક લીધા બાદ ફરીથી નવો પરિપત્ર જાહેર કરી જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીને બદલીની સત્તા ફરીથી સોંપી છે.
પોલીસ ખાતમાં આ નિર્ણયને લઇને અદિકારીઓ અને કર્મચારીઓમાં નારાજગી જોવા મળતી હતી. જોકે આ આદેશના ગણતરીના દિવસોમાં જ ડીજીપી ઓફિસથી એવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે હવે અગાઉ મુજબ અધિકારી બદલીના નિર્ણય લઇ શકશે.
ગુજરાત પોલીસમાં ડીજીપી એટલે રાજ્ય પોલીસવડા પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના કોઇ પણ અધિકારીની કે કર્મચારીની બદલી કરી શકે છે. બદલીને લગતી તમામ કામગીરી ગાંધીનગર ડીજીપી ઓફિસથી થાય તો ઘણો કાર્યભાર વધી જાય. માટે જ તમામ જિલ્લા અને રેન્જના અધિકારીઓને બદલી માટેની સત્તા આપવામાં આવી હતી. જોકે ગાંધીનગરથી થોડા દિવસો પહેલા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં હવે રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસવડા પોતાના તાબાના અધિકારીઓ તથા કર્મચારીની સીધી બદલી કરી શકશે નહીં. એટલે કે કોઇ રેન્જ આઇજીપી પોતાની રેન્જમાં આવેલા જિલ્લાના કોઇ અધિકારી કે કર્મચારીની આંતર જિલ્લા બદલી હોય તો તે ગાંધીનગરથી જ થઇ શકે. આવી જ રીતે જિલ્લા પોલીસવડા માટે પણ પરિપત્ર હતો.
આ પરિપત્રને લઇને રેન્જ આઇજીપી કે જિલ્લા પોલીસવડા સીધી બદલી કરી શકે નહીં. જોકે આવા પરિપત્રને લઇને ઘણી સમસ્યાઓ ઊભી થાય તેવી સંભાવના હતી. જેને પગલે ફરીથી ગાંધીનગર ખાતેથી હવે બદલીની પ્રક્રિયા માટે રેન્જ આઇજીપી કે જિલ્લા પોલીસવડા એટલે કે સરકારના ઠરાવ- પરિપત્રોને આધારે નિયત થયેલા સક્ષમ અધિકારીઓ દ્વારા અગાઉની માફક બદલીની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે હવે જિલ્લા પોલીસવડા કે રેન્જ આઇજીપી બદલીઓ કરી શકશે.