શહેરમાં વધુ એક બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય રદ કરાયો
રમત-ગમતને પ્રોત્સાહન આપવા જેમાં ખાસ કરીને ક્રિકેટ રસિયાઓને વધુમાં વધુ પ્રેક્ટિસનો લાભ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લઈ ખર્ચ મંજુર કરવામાં આવી રહ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમાં બોક્સ ક્રિકેટનો સ્થાનિકોએ વિરોધ કરી પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં હવે પેડક રોડ ઉપર અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ પાસે રૂા. 33.90 લાખના ખર્ચે તૈયાર થનાર બોક્સ ક્રિકેટ બનાવવાનું કામ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સામે કાંઠે પેડક રોડ ઉપર અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ પાછળ વોર્ડ ઓફિસની સામે પ્લોટ નં. 191માં બોક્સ ક્રિકેટ પીચ બનાવવાનો નિર્ણય લઈ રૂા. 33.90 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. ઓડિટોરિયમના કારણે કાયમી ટ્રાફિક તેમજ શોરબકોર રહેતો હોય આજુબાજુના રહીસો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં. ત્યારે બાજુમાં બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. અને આ મુદ્દે અધિકારીઓ તેમજ શાસકપક્ષ સુધી ફરિયાદો થતાં અંતે આ બોક્સ ક્રિકેટ બનાવવાનો પ્રોજેક્ટ હાલ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપાના પદાધિકારી વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ પેડક રોડ ઉપર તૈયાર થનાર બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટને હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જેનું કારણ લોકો દ્વારા વિરોધ થયો હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કાલાવડ રોડ ઉપર સત્યસાંઈ માર્ગ ઉપરના મેદાનમાં બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ પરંતુ બોક્સ ક્રિકેટના કારણે અહીંયા આવારા તત્વોનો અડ્ડો જામશે આથી રહેણાક વિસ્તારના આ મુખ્ય માર્ગ ઉપરથી મહિલાઓને નિકળવું મુશ્કેલ બની જશે તે પ્રકારનો વિરોધ થતાં આ બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. અને હવે સામાકાંઠે મોરબી રોડ ઉપર પ્રાઈવેટ બોક્સ ક્રિકેટનું ડિમોલેશન કર્યા બાદ આ વિસ્તારમાં મનપા આ પ્રોજેક્ટ શરૂ કરવા માંગતો હતો પરંતુ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમની આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા વિરોધ થતાં હવે આ પ્રોજેક્ટ પણ પડતો મુકવાનો નિર્ણય શાસકપક્ષ દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.