ગુજરાતમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક 53 થયો, રાજકોટમાં 18 વર્ષના યુવકમાં લક્ષણો દેખાયા
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા 131 પર પહોંચી છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 53 થયો છે.
સુરેન્દ્રનગરમાં વધતા ચાંદીપુરાના કેસોમાં વધારો થયો છે અને 5 તાલુકામાંથી ચાંદીપુરાના 5 કેસ નોંધાયા છે. ઝડપતી વધતા કેસને લઈ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી સેન્ડ ફ્લાઈ માખીના નમૂના લીધા છે. સાથે કાચા મકાનોમાં ફોગિંગની કામગીરી પણ કરી છે.રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા વાયરસ)ના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
બીજી તરફ રાજકોટમાં એક 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને સિવિલ હોસ્પિટલમાં ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.
અત્યાર સુધી એવું કહેવાતું હતું કે, ચાંદીપુરા વાયરસનો ખતરો 9 થી 14 વર્ષના બાળકોને સૌથી વધુ રહે છે. જો કે રાજકોટમાં એક 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી હાલ આ યુવકને સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. મૂળ વાંકાનેરમાં રહેતો આ યુવક 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ગયો હોવાનું માલૂમ પડ્યું છે.