ઇમિટેશનનો વેપારી વ્યાજના ચક્રમાં ફસાયો, રાજકોટ મુકવુ પડ્યું
11 લાખના 20 લાખ ચૂકવ્યાં છતાં વ્યાજખોર અને સાગરીત દુકાને આવી મારી નાખવાની ધમકી આપતા
વ્યાજખોરે દુકાને આવી કહ્યું, તમને બન્ને ભાઇઓને મારીનો નાખું તો મારામાં ધૂળ પડી
રાજકોટના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતા ઇમિટેશનના વેપારીને વ્યાજખોરે દુકાને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી કરતા વેપારીએ પોલીસ મથકમાં મનીલેન્ડ એક્ટ હેેઠળ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ મામલે ફરિયાદી વેપારીના ભાઇએ વ્યાજખોરોના ત્રાસથી રાજકોટ મુકવું પડ્યું છે. આ મામલે થોરાળા પોલીસે વ્યાજખોરોને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ ઉપર 80 ફુટના રોડ પાસે ઓમ રેસિડેન્સીમાં રહેતા દક્ષેશભાઇ જેન્તીલાલ શનિશ્ર્વરા નામના ઇમિટેનશનના વેપારીએ પાંજરાપોળ પાસે રહેતા વ્યાજખોર મહેશ વિરમભાઇ મુંધવા અને તેમના સાગરીત જયલા વિરુદ્ધ વ્યાજખોરી અંગેની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દક્ષેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગઇ તા.16ના રોજ તેમને મહેશનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે, તું ક્યાંય છો, હું હમણા તારી દુકાને આવું છું’ કહીં ગાળો ભાંડી હતી.
ત્યાર બાદ મહેશ અને તેમનો સાગરીત જયલો બન્ને ફરિયાદીની દુકાને પહોંચ્યા હતા. ધમકી આપતા જણાવ્યું હતુ કે, તારા ભાઇ પરેશને વ્યાજે આપેલા પૈસા તારે ચૂકવવા પડશે નહીં તો તમને બન્ને ભાઇઓને મારી નાખીશ ત્યાર બાદ મહેશ અને તેમનો સાગરીત દેકારો કરવા લાગતા ત્યાં માણસો એક્ઠા થઇ ગયા હતા અને છેલ્લે કાલે અગ્યાર વાગે અહીં આવું છુ તેમ કહીં ત્યાંથી જતા રહ્યા હતા. આ બનાવનું મુળ કારણ એમ છે કે, ફરિયાદીના મોટાભાઇ પરેશભાઇએ મહેશ પાસેથી અલગ-અલગ સમયે પાંચ લાખ, ચાર લાખ અને બે લાખ 10%ના વ્યાજે લીધા હતા. તેમની સામે તેઓ દર મહિને દોઢ લાખ ચૂકવતા હતા.
તેમજ અગ્યાર લાખની સામે પરેશભાઇએ અલગ-અલગ સમયે રૂપિયા 20.80 લાખ ચૂકવી દીધા હતા. ત્યાર બાદ ધંધો બરાબર ન ચાલતા તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. અને તેઓને વ્યાજખોરના ત્રાસથી પરેશભાઇ રાજકોટ છોડી અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. બે વર્ષ પહેલા મોેટાભાઇ સંદીપભાઇએ બે લાખ રૂપિયા મહેશને આપ્યા હતા અને કહ્યું હતુ કે, તેમના ભાઇ પરેશભાઇના મિત્રને આપેલા બે લાખ રૂપિયા તેમને પરત આપી દીધા છે. તેમ છતા વ્યાજખોર મહેશ 30 લાખની ઉઘરાણી કરતો હોય જેથી પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.