લોકમેળાના ફોર્મ સ્વીકારવાની મુદ્તમાં કરવો પડશે વધારો; પાંચ દી’માં માત્ર 14 ફોર્મ આવ્યા
લોકમેળા સમિતિની બપોરે મળેલી બેઠકમાં લેવાશે નિર્ણય; લે-આઉટ પ્લાન અને સાંસ્કૃતિક પ્રોગ્રામના કાર્યક્રમ જાહેર થશે
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિતે પાંચ દિવસ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાંચ દિવસથી ફોર્મ આપવાની અને સ્વિકારવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજે છેલ્લા દિવસ માત્ર 14 જ ફોર્મ ભરાયને પરત આવતા ફોર્મ આપવાની અને સ્વિકારવાની મુદ્દતમાં વધારો કરવો પડે તેવો ઘાટ સર્જાયો છે. જે અંગે આજે બપોર બાદ મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે.
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં તા.24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી પાંચ દિવસ માટે જન્માષ્ટમીના તહેવાર નિમિતે દર વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળા સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા અને સલામિતિ માટે મેળાના સ્ટોલ અને યાંત્રિક રાઇડોમાં 30%નો ઘટાડો કરવામાં આવ્યો છે. લોકમેળા સમિતિ દ્વારા પાંચ દિવસ પહેલા જ સ્ટોલ અને યાંત્રિક રાઇડો માટેના ફોર્મનો બે સ્થળેથી વિતરણ શરૂ કરયું છે. 200 રૂપિયાની ફી લઇ ફોર્મ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 258 જેટલા ફોર્મ ઉપડી ગયા છે. જો કે, આજે છેલ્લા દિવસે બપોર સુધીમાં માત્ર 14 જ ફોર્મ ભરાયને પરત આવ્યા છે.
લોકમેળામાં ફોર્મ ભરવામાં વેપારીઓ અને યાંત્રિક રાઇડોના સંચાલકોમાં નિરૂત્સા જોવા મળી રહી છે. ત્યારે આજે બપોરે મળનારી બેઠકમાં ફોર્મ સ્વીકારવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આ ઉપરાંત બપોરે મળનારી બેઠકમાં લેઆઉટ પ્લાન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નક્કી કરી દેવામાં આવશે. તેમ જણાવા મળેલ છે.