સહકર્મી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચનારને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં રહેતી 16 વર્ષની સગીરા બેડી માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનમાં કામ કરતી હતી ત્યારે તેની સાથે દુકાનમાં કામ કરતા ગાંધીગ્રામ વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા મેહુલ મહેશભાઈ લાઠીયા નામના શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર સગીરના પરિવારે આરોપી મેહુલ લાઠીયા વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી મેહુલ મહેશ લાઠીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગ બનનાર, ફરિયાદી, તબીબ અને તપાસ અધિકારીની જુબાની તેમજ બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ અતુલભાઇ જોશીએ કરેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ગ્રાહ્ય રાખી સ્પે. પોકસો કોર્ટના ન્યાયાધીશ જે.ડી. સુથારે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી મેહુલ મહેશભાઈ લાઠીયાને કુદરતી રીતે જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. અને સરકારી વકીલની ઉલટ તપાસમાં આરોપી પક્ષે ભોગ બનનાર સગીરાનું બોગસ જન્મ પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કર્યાનું સામે આવતા અદાલતે બોગસ જન્મ પ્રમાણપત્ર અંગે તપાસનો આદેશ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અતુલભાઇ જોષી રોકાયા હતા.