For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેનો ખર્ચ રૂા.201 કરોડ વધી ગયો

05:37 PM Feb 06, 2024 IST | Bhumika
રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેનો ખર્ચ રૂા 201 કરોડ વધી ગયો

42 મહિનાની મુદત વધારી દેવાઈ, ડાયવર્ઝનના લીધે અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ હોમાઈ ગઈ, સૌરાષ્ટ્રના ધારાસભ્યોના પેટનું પાણી પણ હલ્યું નહીં

Advertisement

વિકસિત ગુજરાતના રોડ રસ્તાઓને સમગ્ર દેશમાં મોડેલ તરીકે માનવામાં આવે છે. ત્યારે રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવે તેમાંથી બાકાત કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે. પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારે 39 ફ્લાય ઓવર સાથે 195 કીમીનો સીક્સલેન હાઈવે સમગ્ર દેશમાં નમુનેદાર પ્રોજેક્ટ તરીકે હજુ થશે તેવી વાતો થઈ રહી હતી. આ હાઈવેના અલગ અલગ સેક્શનનું કામ પુરુ કરવાની ડેડલાઈન પણ બે વર્ષની અપાઈ હતી આ હાઈવે માટે પાંચ કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર જાન્યુઆરી 2018માં ફાળવી દેવામાં આવ્યા હતાં અને સંપૂર્ણ પ્રોજેક્ટ જાન્યુઆરી 2020માં પુરુ કરી દેવામાં આવશે તેવી મસમોટી જાહેરાતો કરાઈ હતી. આ પ્રોજેક્ટના કમ્પ્લીશનમાં અનેક ટપ્પાઓ પડ્યા બાદ હવે છેલ્લો ટપ્પો માર્ચ 31,2024નો નાખવામાં આવ્યો છે. પણ ત્યાં સુધીમાં હજુ કેટલા લોકોને આ હાઈવે ભરખી જશે તેની ચિંતા લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત અધુરામાં પુરુ મુળભુત રીતે ફ્રોજેક્ટ ખર્ચ રૂા. 2223.50 કરોડથી 201 કરોડ વધી ગયો છે.

વર્ષ 2017માં જાહેર કરાયેલા આ પ્રોજેકટમાં કુલ લંબાઇ 201 કિલોમીટરમાંથી લગભગ 190 કિલોમીટર લંબાઇનો રોડ સીકસલેન બનાવવા માટેની જાહેર કરાયો હતો. શનિવારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, વિમલ ચુડાસમા, તુષાર ચૌધરી, અમિત ચાવડા, શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડીયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેંમત ખવા દ્વારા રાજકોટ- અમદાવાદ સિકસ લેન હાઇવે અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં હાઇવે બનાવતા કોન્ટ્રાકરોમાં ચાઇના અને યુક્રેન સરકારની કંપનીઓ દ્વારા આ પ્રોજકેટ મેળવવામાં ખોટા ડોકયુમેન્ટ રજુ કરવાનો પ્રશ્ન પણ પુછવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રોજેકટ સંપુર્ણ પણે કાયદાકીય પ્રક્રીયા અનુસરીને જ ફાળવવામાં આવ્યાનો જવાબ રજુ કરાયો હતો.

Advertisement

મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા રજુ કરાયેલા જવાબમાં સામે આવ્યું છે કે આ પ્રોજેકટ માટેની ડેડલાઇન 42 મહીના માટે વધારી દેવામાં આવી છે. અને આ ડેડલાઇન વધારી અપાઇ તેમજ ધીમા કામ માટે ફકત કામની સ્પીડ વધારવાની નોટીસો જ અપાઇ છે.

કાચબા ગતિએ ચાલતા કામને લીધે અનેક ડાઇવર્ઝન ઉભા કરાયા છે અને આ ડાઇવર્ઝનમાં રાત્રીના અંધકાર- ધુમ્મસને લીધે સંખ્યાબંધ અકસ્માતો થયા છે. ઘણા લોકોએ આ હાઇ-વે પર અકસ્માતોમાં જીંદગી ગુમાવ્યા છતાં સતાધિશો કે ધારાસભ્યોના પેટનું પાણી પણ હલતું નથી. વિધાનસભામાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્યો દ્વારા એક પણ વખત આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન પણ પુછવામાં આવ્યો નથી. હાલ સરકાર દ્વારા પ્રોજકટની કામગીરી 90 ટકા પુર્ણ થઇ ગઇ હોવાની જાહેરાત કરાઇ છે. પાંચ વર્ષથી ચાલતા પ્રોજેકટમાં પાંચ પૈકી કોઇપણ કોન્ટ્રાકટરને એક રૂપીયાનો પણ દંડ કરાયો નથી. આ પ્રોજેકટમાં 440.89 કરોડનું કામ યુક્રેન સરકારની સ્ટેટ ક્ધસ્ટ્રકશન ઇન્ટીગ્રેટેડ વર્કસ ઓફ એડમિનિસ્ટ્રેટીવ ડીપાર્ટમેન્ટ ઓફ વરખોવના રાડા ઓફ યુક્રેનની સાથે જોઇન્ટ વેન્ચરમાં માધવ ઇન્ફ્રા. એમ.એસ. ખુરાનાને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાઇનાની જિયાંગ્ઝી ક્ધસ્ટ્રકશન એન્જી. સાથે જોઇન્ટ વેન્ચરમાં વરાહા ઇન્ફ્રા.ને 416.77 કરોડનું કામ આપવામાં આવ્યું હતું.

સિક્સલેન મોડું થવાનું કારણ કોરોના, વન વિભાગની મંજૂરી અને જમીન સંપાદન !
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને અમદાવાદ સાથે સીકસ લેન માર્ગથી જોડવાના મહાત્વકાંક્ષી પ્રોજેકટ ડીસેમ્બર 2020માં પુરો કરવાની જગ્યાએ માર્ચ 2024 સુધીમાં પુરો કરવાની સરકાર દ્વારા ટાઈમ લાઈન આપવામાં આવી છે ત્યારે આ કામના વિલંબમાં કોન્ટ્રાકટરોનો કંઈ વણ વાંક નથી તેવો બચાવ અત્યારથી તૈયાર કરીને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વન વિભાગની મંજુરી, જમીન સંપાદન અને કોરોનાના કારણે આ પ્રોજેકટમાં વિલંબ થયો છે. આ જવાબમાં કોન્ટ્રાકટરોનો ઉલ્લેખ પણ કરાયો નથી અને તેમને બાઈજ્જત બરી કરી દેવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે.

રાજકોટ-અમદાવાદ હાઈવેમાં ચેન્જ ઓફ સ્કોપ હેઠળ 97.81 કરોડના વધારાના ચૂકવણા કરી દેવાયા
રાજકોટ અમદાવાદ સીકસ લેન હાઈવેમાં વિલંબની સાથે સાથે કામોમાં પણ વધારો કરીને ચુકવણા કરી દેવાયા છે. આખો પ્રોજેકટ મોડો થવા ઉપરાંત વરસાદી પાણીની ગટરની લંબાઈ, સર્વિસ રોડ, ડ્રેઈન, બોક્ષ કલવર્ટ, આર.ઓ.બી.ની સુધારણા, હયાત બાયપાસના અપગ્રેડેશન, સીંગલ સ્પાન ફલાય ઓવર, સ્લેબ કલવર્ટ, ટી જંકશન બનાવવા સહિતના વધારાના કામો પણ મંજુર કરવામાં આવ્યા છે. આ વધારાના કામો માટે રૂા.201.63 કરોડ મંજુર કરવામાં આવ્યા છે જે પૈકી રૂા.97.81 કરોડના ચુકવણા પણ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ સ્ટેટ ક્ધસ્ટ્રકશન યુક્રેન જેવી. માધવ ઈન્ફ્રા-એન.એસ.ખુરાના કંપનીને 54.76 કરોડ, વરાહા ઈન્ફ્રો.ને 29.37 કરોડની ચુકવણી કરવામાં આવી છે. હવે માર્ચ 2024 સુધીની મુદત પડતાં વધુ અકસ્માતમાં અનેક માનવ જીંદગીઓ ભરખાઈ જશે તો આવી ગુનાહિત બેદરકારી માટે કોણ જવાબદાર ગણાય તેવું પણ લોકો વિચારી રહ્યાં છે. હાલ તો આ પ્રોજેકટ રાજકીય ઈચ્છાશક્તિથી ઝડપથી પુરો થાય તેવું લોકો ઈચ્છી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement