ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટક
11 જેસીબી, 4 રોલર, 40 ટ્રેક્ટર સાથે 40 ટીમે રાતભર થિગડા માર્યા
શહેરમાં 48 કિ.મી.ના રોડ-રસ્તા ભાંગીને ભુક્કો, 1723 ખાડામાંથી 1450 બૂરી દીધા!
રાજકોટ શહેરમાં ચોમાસા પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી કરવામાં મહાનગરપાલિકાનું તંત્ર અંધારામાં રહી જતાં શહેર આખુ ખાડામાં ફેરવાઈ જતાં ગઈકાલે વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ તમામ ઓથોરિટીને ડફણા મારતા રાજકોટ મહાનગરપાલિકાનું દળકટક રાત્રીના અંધારામાં પણ ખાડા બુરવા ઉતરી પડ્યુ હતું. અને રાતઆખી ખાડા બુર્યા હતાં. લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચતા કોર્પોરેશનના બંગબહાદુરો હવે લાવ-લશ્કર સાથે થીગડા મારવા નિકળી પડતા લોકોમાં પણ સુખદ આશ્ર્ચર્ય ફેલાયું છે.
ચોમાસામાં આ વખતે ગુજરાતભરના શહેરો અને રોડ-રસ્તાઓનું કચ્ચરઘાણ નિકળી જતાં ફરિયાદોનો ધોધ વહ્યો છે. છેક ગાંધીનગર સુધી ફરિયાદો જતાં સરકાર એક્શનમાં આવી છે અને ગઈકાલે મુખ્યમંત્રીએ તમામ મહાનગરપાલિકાઓ પાલિકાઓ, ગ્રામ પંચાયતો, હાઈવે ઓથોરીટી સહિતના વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી તાત્કાલીક ધોરણે ખાડાઓની ફરિયાદોનું નિકાલ કરી રોડ રસ્તાને થયેલ નુક્શાનીનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ ત્રણેય ઝોનમાં 40 કર્મચારીઓની ટીમ કાર્યરત કરી ખાડાઓનો હિસાબ સરકારને સુપ્રત કર્યો છે. જેમાં 48 કિલોમીટરના રોડ તુટી ગયા છે અને 1723 નાના-મોટા ખાડાઓ થયાનું જણાવવામાં આવ્યું છે. મનપા દ્વારા સરકારને આપવામાં આવેલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ શહેરનો કુલ 2000 કિ.મી.નો રસ્તો છે.
તે પૈકી 48 કિ.મી.ના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેમાં 32 કિ.મી.ના રસ્તાઓ રિપેર થવા આવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 1723 નાના મોટા કાડાઓ પડ્યા હતા તે પૈકી 1450 ભરાઈ ગયા છે. મનપાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની 40 ટીમ દ્વારા ડે. કમિશનરની દેખરેખ હેઠળ 11 જેસીબી, 4 રોડ રોલર અને 40 ટ્રેક્ટર દ્વારા 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છ ે. જેમાં વેસ્ટઝોનમાં 1281 ખાડા, સેન્ટ્રલઝોનમાં 126 ખાડા અને ઈસ્ટઝોનમાં 316 ખાડાઓ પુરવાનીકામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. તેમજ દિવસ રાત કામગીરી ચાલુ હોય આગામી પાંચ દિવસમાં તમામ ખાડાઓ પુરાઈ જશે તેમજ વરસાદ ન હોય ત્યારે પેચવર્ક અને પેવરનું કામ પણ કરવામાં આવશે તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
સૌથી વધુ ખાડા વેસ્ટ ઝોનમાં
રાજકોટ શહેરનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે ઈસ્ટઝોન અને વેસ્ટઝોનના વિસ્તારોમાં અનેક નવી સોસાયટીઓ તેમજ હાઈરાઈઝ બિલ્ડીંગો આકાર લઈ રહી છે. ઈસ્ટઝોનની તુલનાએ વેસ્ટઝોનમાં હાલમાં પાંચ ગ્રામ પંચાયતનો મનપાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા આ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો પુરા કરી શક્યું નથી. જેના લીધે આ ચોમાસા દરમિયાન ખાડાઓ અને રસ્તાઓ ધોવાઈ જવાની સૌથી વધુ બનાવ વેસ્ટઝોનમાં બન્યા છે. વેસ્ટઝોનના વોર્ડ નં. 1, 11 અને 12માં તેમજ સેન્ટ્રલઝોનના વોર્ડ નં. 13 અન ઈસ્ટઝોનના વોર્ડ નં. 18માં સૌથી વધુ ખાડાઓ પડ્યા છે. જેનો આંકડો 1723 પર પહોંચ્યો છે. તેવી જ રીતે આ પાંચેય વોર્ડના 28 કિલોમીટર રોડને નુક્શાન થયાનું પણ પ્રાથમિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.