કોંગ્રેસે સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન પેદા કર્યુ, રામના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવ્યા
તરભમાં આવેલા પૌરાણીક વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે આવેલા પી.એમ. મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન પેદા કર્યું છે એટલું જ નહીં અયોધ્યામાં રામ મંદિર માટે પણ નકારાત્મક વલણ દાખવી ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યા હતા.
પીએમ મોદીએ જય વાળીનાથ સાથે સંબોધનની શરૂૂઆત કરી હતી. તેમજ જણાવ્યું કે આજે વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ પણ વાળીનાથ આવ્યો છું, આજે રોનક જ અલગ છે. દુનિયામાં ગમે તેટલા સ્વાગત થાય, ઘરે જવાનો આનંદ જુદો હોય છે.
મોસાળમાં આવવાનો આનંદ જ અનેરો હોય છે. આજથી એક મહિના પહેલાં અયોધ્યામાં રામના ચરણોમાં હતો. મને રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યુ છે. 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં હિંદુ મંદિરનું લોકાર્પણ કર્યુ છે. યુપીના સંભલમાં કલ્કિ ધામના શિલાન્યાસની તક મળી છે. આજે તરભમાં ભવ્ય મંદિરમાં પૂજા કરવાની તક મળી છે. દેશ - દુનિયા માટે વાળીનાથ ધામ એક તિર્થ છે. રબારી સમાજ માટે આ એક પૂજ્ય ગુરુગાદી છે. દેશભરમાંથી રબારી સમાજના લોકો અહીં આવે છે. ભારતમાં અત્યારે એક અદભૂત કાળખંડ ચાલી રહ્યો છે. દેવ સેવા અને દેશ સેવા એકસાથે થઇ રહી છે. 13000 કરોડના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ - શિલાન્યાસ કર્યું છે. જેમાં શહેરી વિકાસ, રોડ, રેલવે સહિતના કાર્યોના પ્રોજેક્ટ્સ છે. આ પ્રોજેક્ટ્સથી લોકોનું જીવન વધુ સરળ બનશે. આ પ્રોજેક્ટ્સથી રોજગારીની પણ નવી તકો ઉભી થશે. આ પવિત્ર દિવ્ય ધરતી પર એક નવી ઉર્જા અનુભવું છુ. આ ઉર્જા આધ્યાત્મિક ક્ષેત્ર સાથે આપણને જોડે છે. તેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે પણ, મહાદેવ સાથે પણ છે. હું પૂજ્ય જયરામગીરી બાપુને પણ પ્રણામ કરું છુ.
2021માં બળદેવગીરી મહારાજ આપણને છોડીને જતા રહ્યા હતા. આજે તેઓ જ્યાં હશે આ સિદ્ધિને જોઇ ખુશ થઇ રહ્યા હશે. વર્ષો જૂનું મંદિર આજે 21મી સદીની ભવ્યતા સાથે તૈયાર થયુ છે. અનેક કામદારોના વર્ષોના પરિશ્રમનું પરિણામ આ મંદિર છે. આપણા મંદિરો માત્ર પૂજા પાઠ કરવાનું સ્થળ નથી. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિના પ્રતિક છે આ મંદિરો. આપણે ત્યાં મંદિર જ્ઞાન અને વિજ્ઞાનના કેન્દ્ર રહ્યા છે. મંદિરો દેશ અને સમાજને જ્ઞાન તરફ લઇ જવાના કેન્દ્ર રહ્યાં છે. વાળીનાથ ધામે આ પરંપરાને નિષ્ઠાને આગળ વધારી છે. શાળા અને હોસ્ટેલ્સના નિર્માણથી શિક્ષણનું સ્તર સુધર્યુ છે. પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓને સુવિધા અપાય છે. દેશકાજ અને દેવકાજનું આ સુંદર ઉદાહરણ છે. સુંદર પરંપરા આગળ ધપાવનાર રબારી સમાજ પ્રસંશાને પાત્ર છે. રબારી સમાજને પ્રસંશા ખૂબ ઓછી મળી છે. અમારી સરકાર દરેક વર્ગના જીવનને શ્રેષ્ઠ બનાવવામાં લાગી છે. મોદીની ગેરંટીનું લક્ષ્ય છે લોકોના જીવનમાં બદલાવ લાવવો. દેશમાં દેવાલય પણ બને છે, ગરીબો માટે પાકા ઘર પણ બને છે.