અનુસુચિત જાતિ સમાજના અનેક પ્રશ્ર્નોના નિરાકરણ માટે કલેકટરની ભારોભાર ઉદાસીનતાનો થયો આક્ષેપ
પેન્ડિંગ રજૂઆતો બાબતે યોગ્ય ન કરાય તો સોમવારથી કલેક્ટર કચેરીમાં ધરણાં શરૂ કરવાની ચીમકી
અનેક રજૂઆતો બાબતે કોઇ ઠોસ કાર્યવાહી ન કરીને કુણું વલણ અપનાવાય છે
શહેરના અનુસુચિત જાતીના આગેવાનોએ અનેક રજુઆતો કરી છે પણ જિલ્લા કલેકટર આવી રજુઆતો પરત્વે કુણું વલણ દાખવી કોઇ ઠોસ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ અનુસુચિત જાતિ અધિકારી આંદોલનના આગેવાનો પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર, મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, મોહન રાખૈયા, માવજી રાખશીયા, દિનેશ પડાયા, પારસ બેડીયા વિગેરેએ કર્યો છે.
જે રજુઆતો અંગે આંખ આડા કાન કરવામાં આવે છે તેમાં મનપામાં વર્ગ-4 સફાઇ કામદારોની ગેર બંધારણીય ભરતી રદ કરવા, કોઠારીયા ગામમાં પ્લોટ ફાળવવા સમાજ સાથે થયેલા અન્યાય, નાનામવામાં 200 મકાનો પરત મેળવવા ચાલતા ષડયંત્રને રોકવા, ભીમનગરના 700 મકાનોનું ડિમોલીશન રોકવા, જીવરાજ પાર્ક નજીકના સુવર્ણભૂમિ એપા.નજીક વોર્ડ-11માં ટીપીના બહાને મકાનો તોડી પાડવાના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
આ બાબતે યોગ્ય નિર્ણય જાહેર નહીં કરાય તો તા.21ને સોમવારથી કલેકટર કચેરીમાં ધરણા શરૂ કરવા ઉક્ત આગેવાનોએ ચિમકી આપી છે.