રવિવારે અચાનક કેબિનેટ બોલાવતા મુખ્યમંત્રી
મંત્રીઓએ મત વિસ્તારમાં ગોઠવેલા કાર્યક્રમો રદ, કાલે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચવાની સુચનાથી રાજકીય ગરમાવો
ગાંધીનગરમાં આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવતાગુજરાતમાં ફરી એક વખત રાજકીય માહોલ ગરમાયો છે અને નેતાઓની આંખો ગાંધીનગર તરફ મંડાઈ છે.
રવિવારે કેબિનેટની બેઠક બોલાવતા મંત્રીઓએ પોતાના મત વિસ્તારોમાં ગોઠવેલા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. તમામ મંત્રીઓને આવતીકાલે રવિવારે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચવાની સુચના આપવામાં આવી છે.
આ અચાનક બોલાવાયેલી કેબીનેટની બેઠકથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને ફરી એક વખત મંત્રી મંડળના વિસ્તરણની અટકળો તેજ થઈ છે. સરકાર દ્વારા પણ રવિવારે કેબીનેટની બેઠક બોલાવવા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જેના કારણે રાજકીય ગણીતો મંડાવવા લાગ્યા છે અને મંત્રી બનવાની રાહ જોઈને બેઠેલા ધારાસભ્યોના મો માંથી ફરી એક વખત લાળ ટપકવા માંડી છે.
સામાન્ય રીતે દર બુધવારે મળતી મંત્રી મંડળની બેઠક રવિવારે મળશે ચાલુ સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. તે પછી એક સપ્તાહ પણ પૂર્ણ થયુ નથી ત્યાં આગામી રવિવારે સાંજે 4:30 કલાકે ફરીથી મંત્રી મંડળની બેઠક બોલાવાતા મંત્રીઓ અને અધિકારીઓમાં આશ્ર્ચર્ય ફેલાયું છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ અટકળો ચાલી રહી છે અને તાજેતરમાં રાષ્ટ્રીય નેતાએ પણ ગજરાતની મુલાકાત લીધી છે તે પછી તાબડતોબ આગામી રવિવારે યોજાનારી મંત્રી મંડળની બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેની પર રાજકીય વર્તુળોની નજર રહેશે.