રાજકોટમાં હૃદયરોગનો હુમલો વધુ 2 જિંદગી ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના જીવન થંભી ગયા હતાં. રણછોડનગરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા આધેડ પોતાની દુકાને હતાં ત્યારે જ બેભાન થઈ ઢળી પડયા હતાં. જ્યારે આંબેડકરનગરનો યુવાન પોતાના ઘરે બેભાન થઈ જતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, બેડીપરામાં સિતારામ રોડ પર રહેતા વિક્રમભાઈ કમાભાઈ ખીંટ (ઉ.50) નામના ભરવાડ આધેડ આજે સવારે રણછોડનગર શેરી નં.4માં આવેલી પોતાની વેલ્ડીંગની દુકાને બેઠા હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક વિક્રમભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેકથી મોત નિપજ્યાનું જણાવ્યું હતું.
બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.13માં રહેતા રાજેશભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉ.38) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબો દ્વારા હાર્ટએટેકથી મોત નિપજ્યાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.