સર્ટિફાઈડ સહી પ્રોજેક્ટ અધિકારીએ જ કરવી પડે, છતાં તપાસ થશે: મ્યુનિ.કમિશનર
નિવૃત્ત અધિકારી અલ્પના મિત્રાના ઘરેથી જપ્ત થયેલ ફાઈલ પ્રકરણમાં 10 દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા વિજિલન્સને આદેશ
37 ફાઈલ, 52 રજિસ્ટર, 6 મેનેજમેન્ટ બુકમાં અલ્પના મિત્રાની સહી નથી, પ્રાથમિક તપાસનો રિપોર્ટ
મહાનગરપાલિકામાં તાજેતરમાં રાજીનામું આપેલ ચીફ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરેથી ગઈકાલે વીજીલન્સના દરોડામાં 95 ફાઈલ રજીસ્ટર તેમજ અમુક સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું હતું. અને અલ્પના મિત્રાના ઘરે આ ફાઈલો કેવી રીતે આવી અથવા કોને મગાવી તેમજ કોણ મુકી ગયું તે સમગ્ર મુદ્દે ભારે સસ્પેન્સ સર્જાયુ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે જણાવેલ કે, કોઈપણ અધિકારી નિવૃત થાય અથવા રાજીનામું આપે ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન જે પ્રોજેક્ટ હાથ ધરાયા હોય તે પ્રોજેક્ટમાં સર્ટીફાઈડ સહી તેઓએ જ કરવાની હોય છે. આથી આ તમામ ફાઈલ સહી કરવા માટે તેમના ઘરે પહોંચાડવામાં આવી હતી. છતાં રાજીનામું મંજુર થયા બાદ તેઓ હોદ્દા ઉપર મન્ય રહેતા નથી. આથી આ ફાઈલો શા માટે તેઓએ મગાવી અથવા અધિકારીઓ શા માટે ફાઈલો લઈને તેમના ઘરે ગયા તે સહિતના મુદ્દે તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ આપવાની સુચના વિજિલન્સ વિભાગને આપવામાં આવી છે.
પૂર્વ ચીફ સીટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે ગઈકાલે મનપાના વીજીલન્સ વિભાગે દરોડો પાડી ફાઈલોના પોટલા કબ્જે કર્યા હતાં. અને આ ફાઈલો વોટરવર્કસ વિભાગ અને પ્રોજેક્ટ વિભાગની હોવાનું બહાર આવ્યું છે. આ ફાઈલો નવ કર્મચારીઓ દ્વારા અલ્પનામિત્રાના ઘરે લઈ જવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ઉપરોક્ત કર્મચારીઓએ પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું કે, સર્ટિફાઈટ સહિ માટે અલ્પના મિત્રાના કહેવાથી અમે લોકો ફાઈલ લઈને તેમના ઘરે ગયા હતાં. જેની સામે અલ્પના મિત્રાએ જણાવ્યું છે કે, ચારેક દિવસથી ડેપ્યુટી એન્જિનિયરના ફોન આવતા હતાં અને સર્ટિફાઈડ સહિ કરી આપવાનું કહેતા હતાં. છતાં મેં જણાવેલ કે, હું નિવૃત થઈ ગઈ છું તેથી આ કામ ન કરી શકું તમે કરન્ટ સીટી ઈજનેરનું માર્ગદર્શન લઈ શકો છો. તેમ કહેવા છતાં આ લોકો મારા ઘરે ફાઈલ લઈને પહોંચી ગયા હતાં. ત્યારે હું ઘરે હાજર ન હતી. એથી તેઓ ફાઈલ મુકીને નિકળી ગયા હતાં. આમા કોઈ જાતનું ખોટુ થયું નથી.ં છતાં તપાસના અંતે સાચી વિગતો બહાર આવી જશે.
સીટી ઈજનેરના ઘરેથી ફાઈલોના પોટલા મળવાના પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ જણાવેલ કે, રાત્રીના ફાઈલોનું રોજકામ કર્યા બાદ 37 ફાઈલ, 52 રજીસ્ટર અને 6 મેનેજમેન્ટ બુકનો અભ્યાસ કરવામાં આવેલ જેમાં એક પણ ડોક્યુમેન્ટ ઉપર અલ્પનામિત્રાએ સહી કરેલ નથી. આ તમામ ફાઈલ વોટરવર્કસ અને ડ્રેનેજ વિભાગની તેમજ કોન્ટ્રાક્ટને લગતા ખર્ચની મંજુરી માટેની છે. અને જુલાઈ માસ દરમિયાન જે પ્રોજેક્ટ અલ્પના મિત્રા હસ્તક કરવામાં આવેલ હોય તેમાં ટેક્નિકલ સિસ્ટમ વેરીફીકેશનની 10 ટકા કામગીરી મુખ્ય અધિકારીએ કરવાની હોય છે. અને તેમના દ્વારા સર્ટીફાઈ કરવામાં આવે છે. ત્યાર બાદ કામના બીલ મંજુર થતાં હોય છે. આથી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જાતનું ખોટુ થયું નથી તેમ જાણવા મળેલ છે. છતાં અલ્પના મિત્રા પદ ઉપર ન હોવાથી તેમના ઘરે ફાઈલો સાથે અધિકારીને બોલાવવામાં આવ્યા જે નિયમ વિરુદ્ધ છે છતાં વીજીલન્સની તપાસના અંતે આગળના પગલા લેવામાં આવશે.
પોટલા લઈ જનાર 9 અધિકારીનું નિવેદન લેવાશે
મહાનગરપાલિકાની 95 ફાઈલ ચીફ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરેથી ગઈકાલે ઝડપવામાં આવી છે. આ ફાઈલો અલગ અલગ નવ અધિકારીઓ દ્વારા લઈ જવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ટેક્નિકલ સિસ્ટમના વેરિફીકેશન માટે સર્ટીફાઈ કરવા માટે આ ફાઈલો અધિકારી અલ્પના મિત્રાના કહેવાથી તેમના ઘરે લઈ ગયા હતાં. તેમ તેમને જણાવ્યું છે. છતાં અલ્પના મિત્રાએ આ બાબતે સ્પષ્ટ કરેલ કે, મે કોઈને ઘરે બોલાવ્યા નથી આથી બન્નેમાંથી કોણ સાચું છે તે જાણવા માટે 9 અધિકારીઓનું ક્રોસ વેરીફીકેશન કરી તેમના નિવેદનો રેકર્ડ કરવામાં આવશે.
સીસીટીવી ફૂટેજ મગાવતા મ્યુનિસિપલ કમિશનર
મનપાના ચીફ સીટી ઈજનેરના ઘરેથી ગઈકાલે 95 ફાઈલો જપ્ત કરવામાં આવી છે અને આ બનાવની તપાસ વીજીલન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે અલ્પના મિત્રાના ઘરે આ ફાઈલો કઈ રીતે પહોંચી તેમજ કોના દ્વારા પહોંચાડવામાં આવી જેમાં હાલ 9 અધિકારીઓના નામ બહાર આવ્યા છે. છતાં અલ્પના મિત્રાના ઘરે ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના ગઈકાલના આ બનાવના તમામ ફૂટેજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મગાવવામાં આવ્યા છે. કમિશનરના જણાવ્યા મુજબ તમામ અધિકારીઓ તેમજ સીસીટીવી ફૂટેજમાં દેખાતા તમામ લોકોના નિવેદનો લેવામાં આવશે. જરૂર પડ્યે 100 કોઝ નોટીસ પણ અપાશે. અને તથ્ય સુધી પહોંચી 10 દિવસમાં પ્રાથમિક તપાસ પુરી કરી રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
છેલ્લી સહી કોણે કરી ? તપાસ કરાશે
સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરેથી ફાઈલો પકડાવવાના પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. જેમાં ખાસ કરીને તેમની પાસે કરેલા કામોની સુચી હોવા છતાં શા માટે નિવૃત્તિ પહેલા સહી કરવાની રહી ગઈ તેની તપાસ કરવામાં આવશે. તેમજ નિયમ મુજબ જે તે સમયે હવાલો હોય તે અધિકારીએ જ સહી કરવી પડે આથી તે સમયની જવાબદારી અલ્પના મિત્રાની બનતી હોય છે. છતા શા માટે સહી રહી ગઈ તે પણ ચેક કરાશે અને આ તમામ ફાઈલોમાં છેલ્લી સહી કોની છે તે સહિતની તપાસ હાથ ધરાશે.
આવાસ કૌભાંડનું ચાર્જશીટ તૈયાર
નિવૃત્ત ચીફ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરેથી ગઈકાલે 95થી વધુ ફાઈલો વીજીલન્સ દ્વારા પકડવામાં આવી છે. જેની તપાસ વીજીલન્સ બ્રાંચ કરી રહ્ુયં છે. પરંતુ અલ્પના મિત્રા દ્વારા અગાઉ આવાસ યોજના કૌભાંડમાં પણ નામ ઉછળ્યું હુતં. જેની તપાસમાં તેઓ દોષીત જાહેર થયા હતાં. આથી તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી માટે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. અને અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું ત્યારે પણ ચાર્જશીટ ભોગવવાની શરતે રાજીનામું મંજુર કરવામાં આવ્યું છે. તેમજ ચાર્જશીટ થઈ જતાં તેમને મળવા પાત્ર તમામ લાભ રોકવામાં આવ્યા છે. આથી હવે બન્ને પક્ષનો જવાબ ખાતાકીય અધિકારી દ્વારા લેવામાં આવશે. જેનો અભ્યાસ કર્યા બાદ કોર્ટમાં કેસ દાખલ કરાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.