દ્વારકા નજીકના દરિયા કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગાયત્રી મંદિર પાસે આવેલા દરિયા કાંઠે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફ ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો.
આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષના અહીં રહેલા મૃતદેહને જોતા યુવાનના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં ટી તથા નાના અક્ષરે ટી.સી. અને આઈ.ઓ.યુ. તથા ગુજરાતીમાં તુલસી ત્રોફાવેલું હોવાનું ખુલવા પામ્યું હતું. આ અજાણ્યો યુવાન કોઈ પણ કારણોસર દરિયાના પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે દ્વારકા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
_________________________
ભાણવડ નજીક બાઇક આડે કૂતરું ઉતરતા વૃદ્ધનું મૃત્યુ
ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા નામના 73 વર્ષના વૃદ્ધ તેમની દવા લેવા માટે જામનગર જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર શિવા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈની બાઈક આડે કુતરુ ઉતરતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર નવનીતભાઈ દેવાભાઈ ભારવાડીયા (ઉ.વ. 38) એ ભાણવડ પોલીસને કરી છે.