ફાકી લેવાનું કહી ઘરેથી નીકળેલા રેલવેના પોસ્ટમેનની રેલવે ટ્રકે ઉપરથી લાશ મળી
શહેરના જામનગર રોડ પર આઈ.ઓ.સી.પ્લાન્ટ નજીક રેલવે લોકો કોલોનીમાં રેલવે ટ્રેક ઉપરથી રેલવેના પોસ્ટમેનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક રેલવે પોસ્ટમેન ઘરેથી ફાકી લેવાનું કહી નીકળ્યા બાદ તેમનો મૃતદેહ મળી આવતાં બનાવ આપઘાતનો કે અકસ્માત ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર લોકો કોલોની યાર્ડ પાસેથી ટ્રેનની ઠોકરે કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ ટી.બી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન મૃતકની ઓળખ થતાં તે જામનગર રોડ પર રેલવે લોકો કોલોની કવાર્ટર નં.14-એમાં રહેતાં ંવિનોદભાઈ પારસલાલ આહુજા (ઉ.39) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક વિનોદભાઈ રાજકોટ રેલવે સ્ટેશનમાં ટ્રાફીક વિભાગમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં હતાં. પરિવારજનોના જણાવ્યા મુજબ, વિનોદભાઈ તા.9ના સાંજે ઘરેથી ફાકી લેવાનું જવાનું કહી નીકળ્યા હતાં અને પરત નહીં આવતાં તેમનો મોબાઈલ પણ સ્વિચઓફ હોય પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મૃતક એક ભાઈ એક બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ આપઘાતનો કે અકસ્માતનો ? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
