સાસણ-કાસિયાનો રસ્તો વનવિભાગે બંધ કરી દેતા ભાજપના નેતાઓ બગડયા
ગીર ઇકો સેન્સેટિવ ઝોન મામલે જુનાગઢમાં પહેલેથી જ ઉકળતા ચરૂૂ જેવી સ્થિતિ છે, એવામાં હવે જુનાગઢમાં ગીર પશ્ચિમ વનવિભાગે કાસીયા-સાસણનો 14 કિમી રસ્તો બંધ કરી દેતા નવો વિવાદ ઉભો થયો છે. આ ઘટનાની જાણ થતા હર્ષદ રિબડીયા સહિતના ભાજપ આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.
ગીર પશ્ચિમ વનવિભાગ અંતર્ગત આવતો આ કાસીયા-સાસણનો 14 કિમી રસ્તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો રસ્તો છે.
આ રસ્તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી શરૂૂ રાખવો એવું કલેક્ટરનું જાહેરનામું પણ છે. આમ છતાં ગીર પશ્ચિમ વનવિભાગે આ રસ્તો બંધ કરી દીધો છે અને કાયદેસરની ચેકપોસ્ટની જગ્યાએ દોઢ કિમી અગાઉ નવું બેરીકેટ લગાવી દીધું છે અને તાળું મારી દીધું છે. આ રસ્તો બંધ થવાના કારણે સાસણ જતા પ્રવાસીઓ ફરીને જવું પડે છે તો બીજી બાજુ ટ્રેનના મુસાફરો રેલવે સ્ટેશન પણ જઈ શકતા નથી.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ નેતા હર્ષદ રિબડીયા સહિતના ભાજપ આગેવાનોને જાણ થતા સ્થળ પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. ઘટનાની જાણ થતા મામલતદાર અને વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા.વિભાગના અધિકારીઓએ બેરીકેટનું તાળું ખોલીને આ રસ્તો ખુલ્લો મૂક્યો હતો. જો કે રસ્તો બંધ કરવાનું કારણ આપતા જણાવ્યું કે ચોમાસાના કારણે રસ્તો ધોવાઈ ગયો હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
ભાજપ નેતા હર્ષદ રિબડીયાએ વનવિભાગના જવાબદાર અધિકરીઓ સામે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે.