સરકારી અધિકારીઓ દ્વારા થતા વકીલોના અપમાન મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મુખ્યમંત્રીને કરશે રાવ
પોલીસ અને વકીલો વચ્ચે હંમેશાંથી ચકમક થતી રહેતી હોય છે અને અનેકવાર જ્યારે વકીલોને તેમના અસીલ સાથે અથવા તેમના વતી પોલીસ સ્ટેશન જવાની ફરજ પડતી હોય ત્યારે પોલીસ દ્વારા અપમાન થતાં હોવાના કિસ્સા પણ બને છે. જે અંગે અવારનવાર રાજ્યના જુદાજુદા વકીલ એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ રજૂઆત થતી રહે છે.જેના પગલે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું હતું કે,આ મામલો ગંભીર છે અને વકીલોનું માન-સન્માન જળવાય એ જરૂૂરી છે.
તેથી પોલીસ સ્ટેશનો અથવા અન્ય કોઇ વહીવટી અધિકારીઓ દ્વારા તેમના અપમાન થતાં હોવાના મામલે મુખ્યમંત્રી સમક્ષ બાર કાઉન્સિલના અને વકીલમંડળના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે,બાર કાઉન્સિલ સમક્ષ અનેક વાર વકીલોની ફરિયાદ આવતી હોય છે કે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું અપમાન કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં વકીલો પોલીસ સ્ટેશનમાં જવાનું ટાળતાં હોય છે, પરંતુ ખાસ કિસ્સામાં વકીલો તેમના અસીલની રજૂઆતો યોગ્ય રીતે થાય એ સુનિશ્ચિત કરવા પોલીસ સ્ટેશનમાં જાય છે. ત્યારે કાયદા મુજબ વાત કરવાના બદલે ઘણીવાર પોલીસ વકીલોને હડધૂત કરે છે.
કોઇ પણ મામલે કોઇ વ્યક્તિનું જાહેરમાં અપમાન થવું જોઇએ નહીં. તેથી આ બાબતે અમે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. આ તરફ દિવાળીના વેકેશન બાદ આજથી અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ખાનગી વકીલોએ વિધિવત કામગીરી શરૂૂ કરી છે. જેમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન દ્વારા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના બારના પ્રમુખ, હોદ્દેદારો અને વકીલ મિત્રો સાથે નગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને કામકાજની શરૂૂઆત કરાવી હતી.
કોર્ટમાં પ્રવેશતા વકીલોને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરાયું હતું. નગર દેવી ભદ્રકાળીના દર્શન કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારી અને વહીવટી અઘિકારીઓ દ્વારા વકીલોના અપમાન અને કનડગતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરાશે. સાથે જ વકીલો સાથે તાજેતરમાં બનેલી ઘટનાઓની પણ રજૂઆત કરવામાં આવશે. આવનારા સમયમાં ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા યોજાવવાની છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં જ પાંચ હજાર જેટલા વકીલોને પ્રોવિઝનલ સનદ આપવામાં આવી હતી. ઉપરાંત વકીલોના માંદગી સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ઇઈૠ ના ચેરમેન દ્વારા સૌ વકીલોના સ્વાસ્થ્યની કુશળ કામના કરીને કાઉન્સિલ દ્વારા તેમના ભલાર્થે કામ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.