‘ઓમ શં શનૈશ્ર્વરાય નમ:’ નાદથી વાતાવરણ દિવ્ય બન્યું
શનિ જયંતિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. રાજકોટમાં પણ શનિદેવમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોએ શનિદેવની પૂજા-અર્ચના કરી હતી. શહેરના જ્યુબેલી ગાર્ડન પાસે શનિદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. જ્યાં આજે શનિદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવને કાળા તલ અને તેલ તથા આંકડાનો હાર અર્પણ કર્યો હતો.
લોકોએ ઓમ શં શનૈશ્ર્વરાય નમ: નાદથી દિવ્ય વાતાવરણ બનાવ્યું હતું. રાજકોટમાં શનિદેવના અનેક મંદિરો છે. પરંતુ આ મંદિરનું નિર્માણ નવ ગ્રહ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યું છે. આજે શનિદેવનો જન્મદિવસ છે. આજના દિવસે શનિદેવને આંકડાના ફુલની માળા, કાળા તલ, કાળ અડદ અને કાળુ કપડું ચડાવવાની માન્યતા છે. આ સાથે જ પીપળા ઝાડને પાણી રેડવાનું અને તેની નીચે દિવો કરવાનું મહત્વ પણ આજના દિવસે મહત્ત્વ છે. જ્યુબેલી ગાર્ડનમાં આવેલું આ મંદિરમાં આજે સવારથી મોડીરાત સુધી ભક્તોના દર્શન માટે આ મંદિરને ખુલ્લું રાખવામાં આવશે.