ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો તા.4 એપ્રિલથી પ્રારંભ
શિક્ષણ વિભાગ દ્વારા ટાઈમટેબલ જાહેર : સરકારી-અર્ધસરકારી શાળામાં પ્રશ્ર્નપત્ર સરકાર તૈયાર કરી મોકલશે
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં એપ્રિલમાં લેવાનારી દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે. 4 એપ્રિલથી શરૂૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. સમગ્ર રાજ્યમાં સમાન સમયપત્રકના આધારે આ પરીક્ષા લેવા આદેશ કરાયો છે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે તો રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરી અપાશે.
જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષા ગોઠવી શકશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. ધોરણ-5 અને 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુન: પરીક્ષા લેવાની રહેશે. જો પુન: પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે.
રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા 4 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન યોજાશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રકનું પાલન કરવા આદેશ કરાયો છે. ધોરણ-3થી 8ની દ્વિતીય સત્રાંત કસોટીઓ માટે ધોરણ અને વિષયવાર પરિરૂૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અપાશે. આ નિયત પરિરૂૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-શાસનાધિકારીને સોંપાશે. કસોટીપત્રો તૈયાર કરવા ધોરણ-3થી 8ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સત્રનો ડિસેમ્બર-2023થી માર્ચ-2024 સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. ખાનગી પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની કસોટી ખાનગી પ્રાથમિક શાળાઓએ નિયત માળખાના આધારે શાળા કક્ષાએ યોજવાની રહેશે. ગ્રાન્ટેડ શાળાઓએ કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે. ખાનગી શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે નિયત કરેલી રકમ જે તે ખાનગી સંસ્થાએ ચૂકવવાની રહેશે.
ધોરણ-3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે. પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા મારફતે અલગથી અપાશે. ધોરણ-5 અને 8માં ઊ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓનું બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુન: કસોટી યોજવાની રહેશે.