હડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત એન્જિનીયરિંગ એસોસિએશન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જેલમાં ગયેલા ખેડૂતોના પરિવારજનો અને જામીન પર મુક્ત થયેલા ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ તકે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આગામી સમયમાં ગુજરાતમાં પરિવર્તનનો દાવો કર્યો હતો.
પોતાના સંબોધનમાં કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીની તુલના અંગ્રેજો સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, "છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, જેથી તેમને સત્તાનો અહંકાર આવી ગયો છે. તેમને લાગે છે કે કોઈ તેમને હટાવી શકશે નહીં. જે રીતે અંગ્રેજો વિરુદ્ધ ’હિંદ છોડો’ આંદોલન થયું હતું, તે જ રીતે હડદડનું આંદોલન હવે ’ભાજપ છોડો’ આંદોલન સાબિત થશે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર દંડા અને અશ્રુ ગેસના જોરે લોકોને કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં નકલી દારૂૂ અને ડ્રગ્સ વેચનારાઓ ખુલ્લેઆમ ફરે છે, જ્યારે પોતાના હક માટે લડતા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવે છે.
રાજકીય પ્રહારો ચાલુ રાખતા કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો. જામનગરની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, "જ્યારે ગોપાલ ઇટાલિયા ભાજપને ગાળો આપી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાએ તેમને જૂતું માર્યું હતું. આ સાબિત કરે છે કે પંજો અને કમળ એક જ છે." પોતાના જેલવાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "મને પણ જેલમાં નાખવામાં આવ્યો હતો કારણ કે હું દિલ્હીના લોકો માટે સ્કૂલ, હોસ્પિટલ અને મહોલ્લા ક્લિનિક બનાવવાનું કામ કરતો હતો. ભલે મને 100 વાર જેલમાં પૂરે, હું લોકોની સેવા કરતો રહીશ."
અંતમાં તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, "આવનારા બે વર્ષમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. અમારી સરકાર બનતાની સાથે જ આંદોલનકારીઓ પર થયેલી તમામ ખોટી ઋઈંછ રદ્દ કરવામાં આવશે."