For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂરથી સંપર્ક વિહોણા બનેલા લાઠ તથા ભીમોરા ગામે ફસાયેલા પરીક્ષાર્થીઓની વ્હારે આવ્યું વહીવટી તંત્ર

05:59 PM Jul 01, 2024 IST | admin
પૂરથી સંપર્ક વિહોણા બનેલા લાઠ તથા ભીમોરા ગામે ફસાયેલા પરીક્ષાર્થીઓની વ્હારે આવ્યું વહીવટી તંત્ર
  • ભારે વરસાદથી બેઠા પુલ પર પાણી ફરી વળતાં કોલેજના છાત્રો ફસાયા
  • તંત્રએ ભારે વાહનમાં પુલ પાર કરાવી પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યા

    રાજકોટ તા. ૦૧ જુલાઈ - ઉ૫લેટા તાલુકા તથા આજુબાજુ વિસ્તારોમાં ૩૦મી જૂને રાતે ધોધમાર વરસાદ વરસતાં તાલુકાના લાઠ તથા ભીમોરા ગામે જવાના રસ્તા પર બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આથી આ ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. જેના પગલે કોલેજના પરીક્ષાર્થીઓ ભીમોરામાં ફસાતાં, તાલુકા વહીવટી તંત્રએ તેમને સલામત રીતે ભારે વાહનમાં પુલ પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. આમ આપદા પ્રબંધન સાથે વહીવટી સજાગતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ જિલ્લા વહીવટી તંત્રે પૂરું પાડ્યું હતું.

  • ગત રાતે ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી લાઠ તથા ભીમોરા ગામનો સંપર્ક-વાહન વ્યવહાર પૂરના પાણીથી કપાયો હતો. આજે સવારે આ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્રે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો અને ગામની સ્થિતિ જાણી હતી. જેમાં લાઠ-ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામેથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજીયન છાત્રો અટવાયા હોવાની માહિતી સામે આવી હતી.
  • આ માહિતી ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણીને મળતાં જ તેમણે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા ધોરાજી પ્રાંત અધિકારી જે.એન. લિખિયાનો સંપર્ક કરી ઉ૫રોકત વિગતોથી અવગત કર્યા હતા. ત્યારબાદ આ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈને વિદ્યાર્થીઓ ૫રીક્ષાથી વંચિત ન રહે તથા તેમનું ભવિષ્ય બગડે નહીં તેવા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ, ધોરાજી પ્રાંત અધિકારીએ ધોરાજી ખાતે સ્ટેન્ડ બાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ને તાત્કાલિક ઉ૫લેટા તાલુકાના લાઠ-ભીમોરા ગામે રવાના કરાવી હતી.
  • એ પછી એસ.ડી.આર.એફ.ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાલુકા વહીવટી તંત્રની સાથે રહીને ભીમોરા ગામમાં રહેતા (૧) ચુડાસમા મીતરાજસિંહ ઘર્મેન્દ્રસિંહ (ર) ચુડાસમા ક્ષત્રપાલ સિંહ ઘર્મેન્દ્રસિંહ (૩) ભુકતા કાર્તિક દિલી૫ભાઈ (૪) વડગામા જતીન ચમનભાઈ (૫) જાડેજા સહદેવસિંહ અભેસંગ (૬) ભલાણી પૂજન શાંતિભાઈને ભારે વાહનમાં પૂરના પાણી પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
  • ઉપરાંત સવારના સમયે લાઠ ગામના ત્રણ વિદ્યાર્થી (૧) સોલંકી રાજન સંજયભાઈ (ર) ચુડાસમા ઉર્વશીબા જુવાનસિંહ (૩) ચુડાસમા વૈશાલીબા મહિપતસિંહ વરસાદી પાણીના કારણે ૫રીક્ષાથી વંચિત રહ્યાની જાણ થતાં, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી તથા ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જે.એન. લિખિયાએ આ છાત્રોનું ભવિષ્ય બગડે નહીં તે માટે આગામી ૧૫ દિવસ પછી પૂરક ૫રીક્ષા લેવડાવવાની વ્યવસ્થા કરાવી હતી. આમ જિલ્લા વહીવટી તંત્રએ માનવતાવાદી અભિગમ સાથે વહીવટી સજગતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement