મનપામાં ભરતીનો મેસેજ વાયરલ થતાં તંત્ર ધંધે લાગ્યું
આ પ્રકારની કોઈ ભરતી નથી, છેતરપિંડીનો ભોગ ન બનવા મનપાની અપીલ
બે રોજગારીના જમાનામાં યુવા વર્ગ નોકરી માટે ચારેય તરફ ફાંફા મારતો હોય છે. જેનો ગેરલાભ પણ લેભાગુઓ લઈ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો બનવા પામ્યો છે. ગઈકાલથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ થયા છે. જેમાં કોર્પોરેશનમાં ફક્ત મહિલાઓની બીલ બનાવવા તેમજ કોમ્પ્યુટરને લગતા કામો માટે ભરતી કરવાની છે. એન પગાર રૂા. 22 હજાર મળશે તેવા મેસેજના પગલે અનેક અરજદારો દદ્વારા આ મુદ્દે કોર્પોરેશનમાં તપાસ કરતા આ પ્રકારની કોઈ જાતની ભરતી હાલમાં ચાલુ ન હોવાનું જાણાવ્યું હતું અને લેભાગુઓ દ્વારા ભરતી મુદ્દે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં ન આવે તે માટે આ પ્રકારની છેતરપીંડીનો ભોગ લોકોએ ન બનવું તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની ભરતી કરવામાં આવે ત્યારે પ્રથમ ન્યુઝ પેપરમાં આ મુદદ્દતે જાહેરાત આપવામાં આવતી હોય છે. અને ઉમેદવારોની કસોટી તેમજ તેના ઈન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા કરાતી હોય છે. જેનો અનેક લેભાગુઓ દુરઉપયોગ કરતા હોવાનું અગાઉ અનેક વખત બહાર આવ્યું છે. તેવો બનાવ આજે પણ બનવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજમાં હિયરીંગ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફિમેલ કેન્ડીડેટ ફોર ફાઈલ એન્ડ બીલ ચાર્જ ડેટા એન્ટ્રી સેલેરી 12 હજારથી 22 હજાર અને પાંચ વર્ષ માટે નોકરી મળશે તેવો મેસેજ વાયરલ થતાં અગાઉ અરજી કરેલા ઉમેદવારો કે જેઓ કે જેમને નોકરી મળેલ ન હોય તેવા ફિમેલ ઉમેદવારોએ આ જાહેરાત વાંચ્યા બાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરતા આ ફેક મેસેજ હોવાનું બહાર આવ્યું છે.
મનપાના જણાવ્યા મુજબ હાલમાં આ પ્રકારની કોઈ જાતની ભરતી વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કરવામાં આવતી નથી. આથી આ પ્રકારની ભરતીની જાહેરાત કરી અમુક લેભાગુ તત્વો દ્વારા આગામી સમયમાં તેનું ફોર્મ વિતરણ કરી અરજદારો પાસેથી પૈસા પડાવવામાં આવે તેવું લાગતા મનપાએ આ પ્રકારના ફેક મેસેજથી સાવધાન રહી છેતરપીંડીનો ભોગ ન બનવાની અપીલ કરવામાં આવી છે.
મનપાના સુત્રોના જણાવ્યા મુજબ મહેકમ વિભાગ દ્વારા દર વખતે ભરતીની જાહેરાત કરવામાં આવતી હોય છે. મોટાભાગના વિભાગોમાં ડેટા ઓપરેટર તેમજ કોમ્પ્યુટર પર કામ કરતા તમામ કર્મચારીઓ કોન્ટ્રાક બેઝથી લેવામાં આવી રહ્યા છે. કર્મચારીઓની ડિમાન્ડ હોય ત્યારે મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ અમુક વર્ષો પહેલા આ પ્રકારની ભરતી અને તેના ફોર્મ વેચવાનું કારસ્તાન ઝડપાયું હતું. તે પ્રકારની છેતરપીંડી ફરી વખત અમુક શખ્સો દ્વારા કરવામાં આવી હોય અને તેઓએ આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આથી આ પ્રકારના ફેક મેસેજને સત્તાવાર ન માનવાની અપીલ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરના માણસોની પણ મીલીભગત હોવાની શંકા
મનપાના મોટાભાગના વિભાગોમાં કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા કર્મચારીઓનું સંચાલન અલગ અલગ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈપણ વિભાગમાં કર્મચારીઓની ડિમાન્ડ હોય ત્યારે વિભાગીય અધિકારી દ્વારા આ મુદ્દે કોન્ટ્રાક્ટરને ડિમાન્ડ લેટર મોકલવામાં આવતો હોય છે. જેના લીધે હાલમા પણ અમુક વિભાગોમાં કર્મચારીોની ઘટ હોય આ બાબતે મેનપાવર સપ્લાય કરતી એજન્સીઓને પત્ર પાઠવ્યો હોય પરંતુ આ જ સુધી કાર્યવાહી ન થઈ હોય જેની ગંધ કોન્ટ્રાક્ટરના અમુક માણસોને આવી ગઈ હોય તેમના દ્વારા આ પ્રકારના મેસેજ વાયરલ કરવામાં આવ્યા હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે.