ઉપલેટામાં ત્રણ વર્ષ પૂર્વે યુવકની હત્યા કરવાના કેસમાં આરોપીને આજીવન કેદ
ઉપલેટામાં ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હતી. જે હત્યાના ગુનામાં સડોવાયેલા આરોપીને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ઉપલેટા શહેરમાં કદી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અમિત મહેન્દ્રભાઈ પરમાર નામનો યુવાન તા.7/12/2020 ના રોજ પોતાના ઘરે હતો. ત્યારે આરોપી હાર્દિક જીવા સોલંકી પ્રેમ પ્રકરણનો ખાર રાખી ધસી આવ્યો હતો. અને આશરે દોઢેક કલાક સુધી અમિત પરમાર અને તેના પરિવારને ધાક ધમકી આપી અમિત પરમાર ઉપર છરી વડે હુમલો કરી છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. અને પોલીસે આ અંગે મૃતક અમિત પરમારના પિતા મહેન્દ્રભાઈ પરમારે પુત્રના હત્યારા હાર્દિક સોલંકી વિરુદ્ધ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ હાજર થયા હતા. જે કેસમાં બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખે આરોપી હાર્દિક જીવા સોલંકીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે પારેખ રોકાયા હતાં.