ગુજરાતની સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી વગર જ એકેડેમિક કેલેન્ડર પૂરું થઇ જશે
66 ટકા સમય પૂરો છતાં સ્કૂલોને જ્ઞાનસહાયકની ફાળવણી કરવામાં સરકાર ઉદાસીન
રાજ્યની સ્કૂલોમાં પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 109 દિવસનું શિક્ષણકાર્ય કરવાનું એકેડેમિક કેલેન્ડરમાં નક્કી કરાયું હતું. જે પૈકી 72 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. આમ, 66 ટકા જેટલો સમય પૂરો થઇ ગયો હોવા છતાં હજુ સુધી સ્કૂલમાં જ્ઞાન સહાયકની ફાળવણી જ કરવામાં આવી નથી. આમ, જે કામગીરી સ્કૂલ શરૂૂ થાય તેના પહેલા દિવસે થવી જોઇએ અડધાથી વધુ શૈક્ષણિક સત્ર પૂરું થવા છતાં ન થતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.
રાજ્યની સ્કૂલોમાં 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે, પહેલા શૈક્ષણિક સત્રમાં કુલ 109 દિવસનું શિક્ષણકાર્ય કરવાનું હોય છે. પહેલા શૈક્ષણિક સત્ર પૂરું થવાને અંદાજે 37 દિવસ બાકી છે આમ છતાં સ્કૂલોમાં કરાર આધારિત 6132 જ્ઞાન સહાયકની ભરતી બાકી છે. એટલે કે, મોટાભાગની સ્કૂલોમાં શિક્ષકો જ ઉપલબ્ધ નથી. સૂત્રો કહે છે કે, કાયમી શિક્ષકોની ભરતીમાં સરકાર દ્વારા વિલંબ કરવામાં આવતો હોય છે, પરંતુ કરાર આધારિત શિક્ષકોની ભરતી સ્કૂલ શરૂ થાય તે પહેલા થવી જોઇએ, જે હાલની સ્થિતિમાં તે કામગીરી પણ થઇ નથી. જેના કારણે રાજ્યની અસંખ્ય સ્કૂલોમાં પૂરતા શિક્ષકો ઉપલબ્ધ નથી.
આશ્ચર્યની વાત એ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને કેટલા દિવસ અભ્યાસ કરાવવો તે સહિતની વિગતો જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે, આ કામગીરી પૂરી કરાવવા માટે શિક્ષકો છે કે નહીં તેની કોઇ ચકાસણી જ થતી નથી. જેના કારણે કેલેન્ડર પ્રમાણે દિવસો પૂરા થવા છતાં શિક્ષણકાર્ય થતું નથી. આ મુદ્દે તજજ્ઞો કહે છે કે, કરાર આધારિત શિક્ષકોની ભરતી સ્કૂલ શરૂ થાય તે પહેલા જ કરી દેવી જોઇએ અને કઇ સ્કૂલમાં કેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાસે હોય તો તેમના સ્તરે પણ ભરતી માટે છૂટ આપવી જોઇએ. અન્યથા જ્ઞાન સહાયકની ભરતી કર્યા વગર જ એકેડેમિક કેલેન્ડર પૂરું થઇ જાય તેવી સ્થિતિ ઊભી થશે.