For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની જગતમંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ

11:53 AM Aug 29, 2024 IST | admin
ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની જગતમંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ

લાખોની સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા

Advertisement

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર્વના પાવન અવસરે ગત રાત્રિના હજારો ભાવિકોના ઘોડાપુર વચ્ચે જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય રણછોડ માખણચોરના ગગનભેદી જયઘોષ સાથે શ્રીકૃષ્ણ ભગવાનના 5251 માં જન્મોત્સવની ભકિતમય માહોલમાં ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં રાત્રિના બારના ટકોરે શ્રી દ્વારકાધીશજીના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં ઝળહળતી રોશની વચ્ચે સમગ્ર દ્વારકા નગરી તેમજ બહારથી પધારેલ કૃષ્ણભકતોના માનવ મહેરામણની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

રાત્રિના બારના ટકોરે સર્વત્ર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે આ પાવન અવસરે હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાનનો પણ લાભ લીધો હતો.

Advertisement

ભગવાન દ્વારકાધીશના જન્મદિવસને વધાવવા પુજારી પરિવાર દ્વારા 56 ભોગ બનાવવામાં આવ્યા હતા ભોગ ભંડાર ખાતે પૂજારી પરિવારના મહિલાઓએ સોળે શણગાર સજી અને ભગવાન દ્વારકાધીશના જન્મદિવસની વધાવવા માટે લોકગીત ગાતા, ભજન કરતા કરતા ભગવાન દ્વારકાધીશને ભાવતા ભોજનીયા બનાવ્યા હતા.
રાત્રિના બરાબર બાર વાગ્યે જગતમંદિર પરિસર ભાવિકોના નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીસ્ત્રસ્ત્ર ના ગગનચુંબી નાદ સાથે ગૂંજી ઉઠયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રના મહત્ત્વના દિવસો પૈકીનો શ્રીજીનો જન્મ પર્વ એટલે કે જન્માષ્ટમી પર્વને સદીઓથી યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર મનુષ્ય જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન વગર અધૂરી છે. એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પરિસરને કલાત્મક લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવેલ. રાત્રિના બાર ના ટકોરે જન્મોત્સવ આરતીમાં રાજકીય અગ્રણીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિકારીગણ તેમજ દેવસ્થાન સમિતિના વહીવટદાર, દ્વારકાધીશજીનો પૂજારી પરિવાર તેમજ હજારો કૃષ્ણ ભકતોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. ભાવિકો માટે સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરભરમાં વિવિધ સ્થળોએ નિ:શુલ્ક ચા-નાસ્તા-ફળાહારની સુંદર વ્યવસ્થાઓ પણ યોજવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ વિવિધ ચેનલો દ્વારા કરાયું હતું તેમજ દેશ વિદેશના ભાવિકોને જન્મોત્સવનો લહાવો મળી રહી તે હેતુથી જગતમંદિરની ઓફિસિયલ વેબસાઈટ તેમજ ઓફિસિયલ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું. જેનો લાભ કરોડો ભાવિકોએ વિવિધ ઓનલાઈન માધ્યમથી લીધો હતો. જગતમંદિરે લાંબી લાઈનમાં પણ ઊભા રહી ભાવિકોએ કૃષ્ણ જન્મોત્સવના હોંશે હોંશે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

એક અંદાજ મુજબ દ્વારકાના જગતમંદિરમાં જન્માષ્ટમી પર્વ દરમ્યાન ત્રણ દિવસમાં 2.45 લાખ ભાવિકોએ ઠાકોરજીના દર્શન કર્યા વરસાદે વરસાદે પણ ભાવિકો શ્રધ્ધા સાથે ઉમટયા હતા. જન્માષ્ટમી પર્વમાં આ વખતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ હોવા છતાં પણ દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થીઓ ઉમટયા હતા. અને છઠ્ઠ, સાતમ અને આઠમ એમ ત્રણ દિવસમાં જ જગતમંદિરમાં આશરે 2 લાખ 45 હજાર ભાવિકોએ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતા. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ સવા લાખ ભાવિકોએ શ્રીજીના દર્શન કર્યા હતા.
જન્માષ્ટમીની મધરાતે કૃષ્ણ જન્મ સમયે વરસતા વરસાદે પણ ભાવિકો ઉમટયા હતા. અને વરસતા વરસાદમાં ભગવાન દ્વારકાધીશના જન્મતાની સાથે જ પૂજારી પરિવારો તથા ઉલટી પડેલા ભક્તો મન મૂકી નાચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના જન્મને વધાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement