કાશ્મીરમાં સબ સલામતની વાતો વચ્ચે આતંકી હુમલા
જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ને આતંકવાદ ઓછો થઈ ગયો છે એવા મોદી સરકારના દાવા વચ્ચે સોમવારે ફરી એક આતંકવાદી હુમલો થઈ ગયો. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવરમાં આતંકવાદીઓએ ઈન્ડિયન આર્મીના વાહન પર હુમલો કર્યો તેમાં ચાર જવાન શહીદ થઈ ગયા અને છ જવાન ઘાયલ થયા. આ ઘટના લોહી મલ્હાર બ્લોકના માચેરી વિસ્તારના બદનોટા ગામમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સુરંગો શોધી રહી હતી ત્યારે અચાનક આતંકીઓએ આર્મીના જવાનો પર ફાયરિંગ શરૂૂ કરી દેતાં આપણા 4 જવાનોના જીવ ગયા. આતંકવાદીઓએ બે દિવસમાં આર્મી પર કરેલો આ બીજો મોટો હુમલો છે. આ પહેલાં રવિવારે રાજૌરી જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર ગોળીબાર કરતાં એક જવાન ઘાયલ થયો હતો. આ પહેલાં શનિવારે પણ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા પણ બે જવાનો પણ શહીદ થયા હતા. આ તો છેલ્લા એક-દોઢ મહિનામાં થયેલા આતંકવાદી હુમલાની જ વાત કરી, બાકી વરસનો હિસાબ કરવા બેસો તો બહુ બધા હુમલા નીકળી આવશે. આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો ને એ પહેલાં 21 ડિસેમ્બરે સુરનકોટમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો કે જેમાં 5 જવાન શહીદ થયા હતા. 4 આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી ચલાવેલી ગોળીઓ આર્મીનાં વાહનોના જાડા લોખંડના સ્તરને પાર કરીને જવાનોને વાગી હતી અને તેમનાં મોત થયાં હતાં. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી. આ તો આર્મી પર થયેલા હુમલાઓની વાત કરી, બાકી સામાન્ય લોકો પર થયેલા આતંકવાદી હુમલાઓની વાત કરવા બેસીએ તો યાદી બહુ લાંબી થઈ જશે. હવે આર્મી પર જ આટલા બધા હુમલા થતા હોય તો જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે એવો દાવો કઈ રીતે થઈ શકે ? આ હુમલાઓનો મતલબ સ્પષ્ટ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં આપણે સફળ થયા નથી. મોદી સરકાર ભલે સબ સલામતના દાવા કરતી હોય પણ જમ્મુ અને કાશ્મીરમાં સબ સલામત નથી. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી તો સફળતાપૂર્વક થઈ ગઈ પણ વિધાનસભાની ચૂંટણી બાકી છે કે જે 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવી જરૂૂરી છે.આતંકવાદનો ખાતમો કરીને જમ્મુ અને કાશ્મીરની પ્રજાનું રક્ષણ કરવું એ આ દેશની સરકારની ફરજ છે એ જોતાં મોદી સરકારે આ હુમલા બંધ કરાવવા કડક હાથે કામ લેવું જોઈએ અને લશ્કરને છૂટો દોર આપવો જોઈએ. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવી એ ભારત માટે વટનો સવાલ છે પણ આતંકવાદી હુમલા થતા રહે તો ચૂંટણી નહીં થઈ શકે. મોતનો ડર હોય તો કોણ મતદાન કરવા બહાર આવે ?