મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદી
અનેક યુનિટો એક માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ, રોજગારીને મોટી અસર
મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે હજારો કરોડનું એક્સપોર્ટ કરી વિદેશી હુંડીયામણ પણ સરકારને કમાઈ આપે છે છતાં સિરામિક ઉદ્યોગ સાથે હમેશા ઓરમાયું વર્તન જોવા મળતું હોય છે.
સરકારના પ્રોત્સાહન વિના સ્વબળે ઉદ્યોગ સાહસિકોએ મોરબી સિરામિક ઉદ્યોગને વિશ્વ સ્તર પર પહોંચાડ્યું છે જોકે લાંબા સમયથી ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઇ રહેલ સિરામિક ઉદ્યોગ ફરીથી મંદીના વમળોમાં અટવાયો છે અને ડીમાંડમાં ઘટાડો જોવા મળતા એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે.પ્રોડક્શન મુજબ ડીમાંડ જોવા મળતી નથી જનરલી શિયાળાની ઋતુમાં ડોમેસ્ટિક માર્કેટમાં તેજી રહે છે પરંતુ આ વર્ષે ઉલટી સ્થિતિ છે અને ડોમેસ્ટિક માર્કેટમાં ડીમાંડ નથી ઉપરાંત વિશ્વ સ્તરે યુદ્ધ ઉપરાંત ક્ધટેનર ભાડામાં વધારો, એન્ટી ડમ્પિંગ ડ્યુટીના ઈશ્યુને કારણે એક્સપોર્ટ પણ ઘટી ગયું છે.
વર્ષે 18 હજાર કરોડના એક્સપોર્ટ સામે ચાલુ વર્ષે માંડ 12 હજાર કરોડ જેટલું એક્સપોર્ટ રહે તેવો ડેટા પ્રાપ્ત થયો છે જેથી 1 માસ માટે એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે છેલ્લા 1-2 વશમાં 150 યુનિટ સદંતર બંધ થયા છે જેથી તે એકમોના શ્રમિકો અન્ય ઉદ્યોગમાં ડાયવર્ટ થયા છે તો કેટલાક વતનમાં પરત જતા રહ્યા છે આમ ઉદ્યોગની મંદીને કારણે રોજગારી પર મોટી અસર પડે છે.