ભાવફેરના આંદોલનમાં પશુપાલકના મોતથી તંગદીલી
ટીયરગેસના કારણે મોત થયાના આક્ષેપ સાથે મૃતદેહ સાબર ડેરીના ગેટ સામે મૂકી વિરોધ
ચેરમેન અને એમ.ડી.ને ગાંધીનગરનું તેડું: 74 આગેવાનો સહિત 1000 ના ટોળા સામે ફરિયાદ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. આ મામલે વાતાવરણ વધુ ગરમાતા સાબર ડેરીનાં ચેરમેન અને એમડીને ગાંધીનગરનુ તેડુ આવ્યુ છે. સહકાર મંત્રીએ આ મામલે ખુલ્લાસા માટે બોલાવ્યા છે.દરમિયાન આ મામલે 60 પશુ પાલકોની અટકાયત કરવામા આવી છે અને 74 આગેવાનો સહીત 1000 ના ટોળા સામે ફરીયાદ નોંધવામા આવી છે.
સાબર ડેરી પાસે ગઈ કાલે બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ ફેર મુદ્દે સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. પશુપાલકોએ નેશનલ હાઈવે નંબર આઠ પર વાહનોની અવર જવર અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંદોબસ્ત માટે રાખવામાં આવેલા વોટર બ્રાઉઝર પર પથ્થરમારો કરતાં મામલો તંગ બન્યો હતો. ત્યાર બાદ પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. આ ઘટનામાં ત્રણથી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. પોલીસે 60 પશુપાલકોની અટકાયત કરી હતી. પશુપાલકોના આંદોલનમાંથી પરત ફરતા એક પશુપાલકનું મોત થયું હતું.
સાબરકાંઠામાં આંદોલન બાદ પરત ફરતા એક પશુપાલકનું ટીયર ગેસના સેલને કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરાયો હતો. ડેરીના ડિરેક્ટર અને વાઈસ ચેરમેન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. ઈડર સિવિલ હોસ્પિટલમાં પશુપાલકો અને મૃતકના પરિજન સાથે વાતચીત કરી હતી.પશુપાલકોએ મૃતદેહને ડેરીના ગેટ પાસે મૂકી વિરોધ કર્યો હતો. ઇડર નજીક જીંજવા ગામના અશોક ચૌધરીનું મોત નિપજતાં આક્રોશ વધી રહ્યો છે. પશુપાલકના મોત બાદ અન્ય પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલકની આજે ઝીંઝવા ગામે અંતિમયાત્રા નીકળી હતી.