ગોંડલમાં પતંગ ઉડાડતો દસ વર્ષનો બાળક ધાબા પરથી પટકાયો
ગોંડલમાં ઉંબાળા રોડ પર ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર રમણીકભાઈ ગજેરાની વાડીએ ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારનો ઈશ્વર રતનભાઇ ડાવર નામનો 10 વર્ષનો માસુમ બાળક બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમ બાળકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત બાળક અને તેના પરિવારનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.