For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ મંગળવારથી તાપમાનમાં થશે વધારો

05:32 PM Feb 16, 2024 IST | Bhumika
શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ મંગળવારથી તાપમાનમાં થશે વધારો
  • માર્ચ મહિનામાં તાપમાન 40 ડીગ્રીએ પહોંચશે, 20 એપ્રિલથી કાળઝાળ ગરમી: અંબાલાલ પટેલ

Advertisement

ઉનાળાના આગમનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જો કે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે. અને 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં ક્રમશ: વધારો થશે.

ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ ઉત્તર-પૂર્વિય પવનોને લીધે રાતના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, જોકે દરિયાકાંઠા વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે, આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

Advertisement

હવામાન અંગેની આગાહી કરનારા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 18થી 20ના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉળશે, ગરમી રહેશે. 20 ફેબ્રુઆરીથી ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીએ પહોંચી જશે. 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરુ થશે. એપ્રિલ અને મે મહિનામા પવનની ગતિ વધુ રહેશે. આધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો જોવા મળશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે. જોકે, આ તો ટ્રેલર હશે, ભીષણ ગરમી તો મે-જુનમાં પડશે. તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement