અભ્યાસ સિવાયની સોંપતી કામગીરીના વિરોધમાં શિક્ષકો જશે કેન્દ્ર સરકાર પાસે
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઈઝેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક તાજેતરમાં ઝારખંડમાં મળી હતી. જેમાં ગુજરાતના વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને બેઠકમાં પ્રસ્તાવ રજૂ કર્યા હતા. જેમાં શિક્ષકોને ભણતર સિવાયની કામગીરીમાંથી મુક્તિને લઈને પણ પ્રસ્તાવ મૂકાયો હતો. જે અંગે ઓર્ગેનાઈઝેશન દ્વારા આગામી દિવસોમાં કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે.
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઈઝેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ ઝારખંડમાં યોજવામાં આવી હતી. આ મીટિંગમાં ગુજરાતમાંથી પંકજ પટેલ, રમેશ પટેલ, હિતેશ પટેલ, દિનેશ ચૌધરીએ હાજરી આપી હતી. સમગ્ર ભારતમાંથી 250 કરતા વધુ પ્રતિનિધિઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આ મીટિંગમાં ગુજરાત રાજ્યમાં સંકલન સમિતિ તથા સંચાલકો, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ, આચાર્ય સંઘ, નોન ટીચિંગ સંઘ દ્વારા જૂની પેન્શન યોજનાને લઈને કરવામાં આવેલા આંદોલનની વિગતો દેશના પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંઘ વતી જુદાજુદા પ્રસ્તાવો પણ મૂકવામાં આવ્યા હતા. જેમાં 2005 પછીના શિક્ષક- કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા સાથે યુપીએસ યોજનાનો વિરોધ કરવો, ગ્રાન્ડ ઈન એડ સ્કૂલમાં શિક્ષકો, કલા શિક્ષક, મ્યુઝિક શિક્ષક અને સ્પોર્ટસ ટીચર તથા ગ્રંથપાલની 100 ટકા ભરતી કરવી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો બચાવવી, શિક્ષકોને ભણતર સિવાયની કામગીરીમાંથી મુક્ત કરવા, સમગ્ર ભારતમાં તમામ શૈક્ષણિક કેડરોમાં સમાન વેતન રાખવા જેવા પ્રસ્તાવો મૂકવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવને લઈને આગામી દિવસોમાં ઓલ ઈન્ડિયા ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે.