શિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટ
પોલીસ દ્વારા DNA ટેસ્ટની તૈયારી, ગુજરાતભરમાં ચકચાર જગાવનાર સુરતના કિસ્સામાં નવો વળાંક
સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર શિક્ષિકાના કાંડમાં નવો જ ફણગો ફૂટયો છે. 13 વર્ષના વિદ્યાર્થીનુ અપહરણ કરી જનાર શિક્ષિકાની મેડિકલ તપાસમાં તેને પાંચ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ શિક્ષિકાએ આ ગર્મ તેની સાથે ભાગેલા વિદ્યાર્થીનો હોવાનો ખુલાસો કરતા પોલીસ પણ ચકરાવે ચડી છે અને હવે શિક્ષિકાનાં ગર્ભમાં રહેલ બાળકનો પિતા જાણવા છાત્ર અને શિક્ષિકાનો ડીએનએ ટેસ્ટ કરવા તૈયારી શરૂ કરી છે.
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 13 વર્ષીય વિદ્યાર્થી અને તેની 23 વર્ષીય શિક્ષિકા આખરે સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયાં છે. સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનારી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે.તે સિવાય ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે શિક્ષકાના ગર્ભમાં રહેલા બાળકનાં પિતા નકકી કરવા ડીએનએ ટેસ્ટ માટે તૈયારી શરૂ કરી છે. જોકે, બંનેના મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો બીજી તરફ શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉલ્લેખનીય છે કે, શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાધ્યા હોવાનુ ખુલ્યુ છે.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 એડ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 13 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની ધરપકડ કરાઇ હતી .પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત લાવવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ વિદ્યાર્થીને પોતાના પરિવારને સોંપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સુરક્ષિત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો.શક્ષિકા પાસે ટ્યૂશન લેવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી જતો હતો.
છેલ્લા ઘણા સમયથી શિક્ષિકા પાસે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવાને લઈ બંને વચ્ચે બોન્ડિંગ પણ બની ગયું હતું. હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરતી માનસી બે વર્ષથી કોન્ટ્રેક્ટ પર કામ કરતી હતી. 21 એપ્રિલના રોજ કોન્ટ્રેક્ટ પૂર્ણ થયો હતો. ત્યાર બાદ તેણે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. નવી સ્કૂલબેગની ખરીદી કરી હતી અને એક નવું સિમકાર્ડ પણ ખરીદી લીધું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીને બપોર વચ્ચે નીચે રમવા માટે કહ્યું હતું. ત્યાર બાદ શિક્ષિકા સોસાયટીમાં નીચે આવીને રમી રહેલા વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ હતી.