હળવદ પંથકમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં
હળવદ શહેર અને તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે. અને શુદ્ધ પીવાના પાણીની સમસ્યાના કારણે મિનરલ વોટરના ધંધાર્થી પણ બીલાડીના ટોપની માફક વધી રહ્યાં છે. મોટાભાગના ગામોમાં મિનરલ વોટરના નામે 20 લીટરના જગનો ધીકતો ધંધો થાય છે. પરંતુ શું આ પાણી ધારાધોરણ મુજબ શુદ્ધ છે કે કેમ? નિયમ મુજબ મિનરલ વોટરના ધંધાર્થી પાસે ફુડ, સેફ્ટી, સ્ટાન્ડર્ડ ઓથોરાઈઝ ઓફ ઈન્ડિયાનું લાયસન્સ હોવું જોઈએ અને નિયમિત રીતે પાણીની ચકાસણી માટે લેબોરેટરીમાં તપાસ થવી જોઈએ.
જોકે બેફામ બનેલા મિનરલ વોટરના ધંધાર્થી પાસે નગરપાલિકા કે ગ્રામ પંચાયતની મંજુરી પણ હોતી નથી. ત્યારે મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ધંધાર્થી સામે તંત્રનું હંટર ચાલશે કે કેમ? હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવામાં તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે?.ખરેખર લોકોના મનમાં મિનરલ વોટરે એટલું બધુ ઘર કરી લીધું છે કે પીવાના પાણીનો બીજો કોઈ વિકલ્પ ના હોય તેમ ના છુટકે મનફાવે તેવા ભાવે પાણી ખરીદવું પડે છે.