તાલીબાની સજા, વાતો કરતા વિદ્યાર્થીના મોઢે સેલોટેપ મારી દીધી
- જૂનાગઢની ખાનગી શાળાની ચકચારી ઘટના, પોલીસ-શિક્ષણાધિકારીને રજૂઆત
જૂનાગઢ શહેરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 2ના વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા વિચિત્ર અને આકરી સજા કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થી શાળામાં વધારો વાતો કરતો હોય આચાર્યએ સજા કરવા માટે વિદ્યાર્થીના મોઢા પર બે કલાક સુધી સેલોટેપ લગાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીના મોઢા પર સેલોટેપ લગાવ્યાની બાબતનો શાળાના આચાર્યએ પણ સ્વીકાર કર્યો છે. વાલી દ્વારા આ મામલે પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવલી વેલકમ પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાબેતામુજબ ગયા શનિવારે પણ શાળા પર ગયો હતો. આ વિદ્યાર્થી શાળામાં ચાલુ ક્લાસે અન્ય વિદ્યાર્થી સાથે વાતો કરતો હોય ક્લાસ ટીચરે તેની ફરિયાદ શાળાના આચાર્ય દિપ્તીબેન રાયજાદાને કરી હતી. શાળાના આચાર્યએ વિદ્યાર્થીને પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો. જ્યાં ધોરણ બેમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને ચાલુ ક્લાસે વાતો કરવા બદલ મોઢા પર સેલોટેપ લગાવવાની સજા કરી હતી.
જૂનાગઢની વેલકમ શાળામાં અભ્યાસ કરતા 7 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, હું બીજા ધોરણમાં ભણું છું. શનિવારે બપોરે 2 વાગ્યે મારા મોઢા પર પાર્સલ પેક કરવા માટે જે પટી વપરાય છે તે મારી દીધી હતી, જે ચાર વાગ્યે ખોલી હતી. ક્લાસમાં વાતો અન્ય વિદ્યાર્થી કરી રહ્યા હતા. જેની સજા મને આપવામાં આવી. મારાથી શ્વાસ લઈ શકાતો ન હતો અને છાતીમાં પણ દુ:ખતું હતું. દિપ્તી મેડમે મને પટી મારી દીધી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, શાળામાં બીજા છોકરાઓ વાતો કરી રહ્યા હતા તેની સજા મારા દીકરાને આપી. શનિવારની ઘટના અંગે અમે શાળાએ ગયા હતા. જ્યાં શાળાના જવાબદાર લોકોએ અમને ગોળગોળ જવાબો આપ્યા હતા. અમારા બાળકના મોઢા પર ટેપ કોને લગાવી હતી? એ બાબતે પૂછતા શાળાના આચાર્યએ કહ્યું હતું કે, એ શિક્ષકને અમે રજા પર મોકલી દીધા છે, હવે તે નહીં આવે. આ મામલે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી છે. આ ફરિયાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ કરેલી છે.
જો કે, આ મામલે વેલકમ શાળાના આચાર્ય દિપ્તીબેન રાયજાદાએ જણાવ્યું હતું કે, બાળકના વાલી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે શનિવારે બનાવ બન્યો હતો. ક્લાસમાં બેસીને બે બાળકો સતત વાતો કરતા હતા.ત્યારે ક્લાસના શિક્ષક દ્વારા અમને ફરિયાદ કરી હતી. આ બંને બાળકોને અલગ બેસાડવા અમે સૂચના આપી હતી. જેથી કરી બંને બાળકો અલગ હોય તો તે વાતો ન કરી શકે. પરંતુ ફરી દોઢ કલાક બાદ શિક્ષક ક્લાસરૂૂમમાંથી બહાર આવી આ બંને બાળકો વાતો કરે છે તેવી ફરિયાદ કરી હતી.જેને લઇ રિસેસ બાદ બાળકને ઓફિસમાં બોલાવ્યો હતો. અને મોઢા પર ટેપ લગાવી દીધી હતી અને કહ્યું હતું કે ટેપ લાગી હોય તો તને ખબર પડે કે ન બોલીએ તો શુ થાય? ત્યારબાદ પોણા ચાર વાગ્યે સ્કૂલ છૂટવાના 15 મિનિટના પહેલા મોઢા પરથી ટેપ કાઢી નાખી હતી. બસ આટલા સમય પૂરતી જ આ બાળકના મોઢા પર ટેપ લગાવવામાં આવી હતી.
આ મામલાની તપાસ સોંપવામાં આવી છે - DPEO
આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીની અરજી અમને મળી છે. તે મામલે તપાસ પણ સોંપવામાં આવી છે અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.