For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેન

12:18 PM Feb 14, 2025 IST | Bhumika
મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન   ગેનીબેન

અમરેલીમાં પાયલ ગોટી લેટરકાંડ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વિઠલપુર ખાતે પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જેની ઠુમર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેને જણાવ્યું કે, મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન છે, ડ્રગ્સના ગુનેગારોને પકડવાના બદલે નાના લોકોને પકડી ડરાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ચલાલા નગરપાલીકા વિસ્તારમાં ગેનીબેન તેમજ પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં ગયા હતા. ત્યારે ત્યા ભાજપ કાર્યકરો સામે આવી જતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

Advertisement

પાયલ ગોટી મામલે ગેનીબેને જણાવ્યું કે, એક મહિલા કે જે રોજગારી માટે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હતી, તેનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન છે. જો પોલીસે બુટલેગર કે ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો તેઓ અભિનંદન આપત. પાયલ બેનને ન્યાય મળે તે માટે અમે તેની સાથે છીએ. તેમણે તપાસ અધિકારી દ્વારા રિપોર્ટ ન સોંપવા અંગે પણ સવાલો ઉઠાવ્યાં હતા.

તેમજ કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. ડ્રગ્સના ગુનેગારોને પકડવાના બદલે નાના લોકોને પકડી ડરાવવામાં આવી રહ્યા છે. અમારી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સત્તા માટે નહીં સેવા માટે છે.ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, આજે 4 નગરપાલિકા વિસ્તારની ચૂંટણીને પગલે કોંગ્રેસ પાર્ટીને મત આપવાની અપીલ કરવા માટે અહીં આવી છું. નગરપાલિકામાં ભાજપના 15 વર્ષના શાસનમાં ગટર, પીવાનું પાણી, સફાઈ સહિતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કોંગ્રેસ પાર્ટી તરફથી અમે આ પ્રશ્નોના ઉકેલનો ભરોસો આપીશું. ભાજપ એમ કહેતુ કે, કેન્દ્રમાં અને રાજ્યમાં અમારી સરકાર હોય તો અમે વિકાસ કરીશું.

Advertisement

તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે અને 15 વર્ષથી નગરપાલીકામાં શાસનમાં છે. ત્યારે નગરપાલિકાના વિકાસ કરવાનું તેઓને કોણ ના પાડતું હતું.વધુમાં જણાવ્યું કે, ભાજપની પાર્ટી લોકશાહીને માનતી નથી ચૂંટણી આવે એટલે સામ, ડામ દંડ ભેદની રાજનીતી અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા, તેઓના ફોર્મ પરત ખેંચાવીને બીનહરીફ કરાવીને બીજી ચૂંટણી પર તેની અસર પાડીને એક એવુ વાતાવરણ ઉભુ કરવુ, લાલચો આપવી, આ તેઓના લોહીમાં વરેલું છે. મહારાષ્ટ્રમાં પરપ્રાંતી મતદારો દાખલ કરાવીને તેઓ ચૂંટણીઓ જીત્યા છે.

કોંગ્રેસ નેતા અને ભાજપ કાર્યકરો વચ્ચે બોલાચાલી
ચલાલા નગરપાલીકા વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં ગયા હતા. ત્યારે ત્યા ભાજપ કાર્યકરો સામે આવી જતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર સહીતના નેતાઓ પ્રચાર કરવા ગયા હતા. તે દરમિયાન ભાજપના કાર્યકરો સાથે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ પાછળથી સૂત્રોચ્ચાર કરતા વિવાદ થયો હતો. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકરોને જાહેરમાં ખખડાવી નાખ્યાં હતા. જોકે, સ્થાનિક પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement