રાજકોટની ગોકુલ હોસ્પિટલના 39 તબીબો સહિત જવાબદારો સામે પગલાં ભરો: એડવોકેટ
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનો વિવાદ વકરી રહ્યો છે. ત્યારે સાધુ-સંતો, રાજકારણીઓ અને અલગ અલગ ક્ષેત્રના લોકો મેદાને ઉતરી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢના મહિલા એડવોકેટે રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને આ મામલે પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. પત્રમાં તેમને રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડોક્ટરો અને જે લોકોએ બાપુના સહી સિક્કા લીધા છે તેને ગંભીર ક્રાઇમ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે.
હેમાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, આઇસીયુમાં ધોળા દિવસે સગાવ્હાલાંને પણ જવા દેવાતા નથી. ત્યારે અડધી રાતે એક ગેંગ દ્વારા બ્રેઈનડેડ કે કોમામાં રહેલા માણસના એક લખાણમાં અંગૂઠા લઈ આવે છે, આ સોશિયલ ક્રાઈમ છે. ડોક્ટરના મિલાપીપણા સિવાય આ કરવું શક્ય નથી.
ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ મહારાજના મૃત્યુ માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલના 39 તબીબ તેમજ વકીલ અને નોટરી જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ જૂનાગઢના મહિલા વકીલે કર્યો છે.
જૂનાગઢના એડવોકેટ હેમાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 43 વર્ષથી જૂનાગઢમાં એડવોકેટની પ્રેક્ટિસ કરું છું. હાલના વિવાદ અંગે જે મેં રજૂઆત કરી છે તે કોઈના વતી કે કોઈના તરફથી કરી નથી. મેં આ રજૂઆત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને પત્ર લખી રજૂઆત કરી છે.
આ રજૂઆત એટલા માટે કરવામાં આવી છે, હોસ્પિટલની આઇસીયુમાં ધોળા દિવસે સગાવ્હાલાંને પણ જવા દેવામાં આવતા નથી. ત્યારે અડધી રાતે એક ગેંગ દ્વારા બ્રેઈનડેડ કે કોમામાં રહેલા માણસના એક લખાણમાં અંગૂઠા લઈ લેવામાં આવ્યા છે. ત્યારે આ જે બન્યું છે તે સોશિયલ ક્રાઈમ છે. કાલ સવારે આવો બનાવ કોઈ પણની સાથે બની શકે છે. હોસ્પિટલમાં ડોક્ટરની હાજરી હોય તો ડોક્ટરના મિલાપીપણા સિવાય આ કરવું શક્ય નથી. હોસ્પિટલમાં સિક્યુરિટી હોય સીસીટીવી કેમેરા હોય છતાં પણ બ્રેઈનડેડ માણસના અંગૂઠા લેવા કેવી રીતે શક્ય બને? આમ જોવા જઈએ તો બ્રેઈનડેડ માણસના આ ડોક્યુમેન્ટમાં સહી લેવું તેવા ડોક્યુમેન્ટની કોઈ વેલ્યુ નથી. પરંતુ આ બહુ મોટો ક્રાઈમ છે.
મહિલા એડવોકેટે વધુમાં કહ્યું હતું કે, મહેશગિરિ દ્વારા અગાઉ પણ કબૂલ કરવામાં આવ્યું છે કે, હા અમે હોસ્પિટલમાં સહી લેવા ગયા હતા અને અમે સહી લાવ્યા છીએ. આમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે સહી લેવા ગયા, ત્યારે તનસુખગિરિ જીવતા હતા કે નહીં? કે પછી ડેટ બોડીનો અંગૂઠો લેવામાં આવ્યો છે કે કોમામાં ગયેલા તનસુખગિરિ બાપુનો અંગૂઠો લેવામાં આવ્યો છે? એક શક્યતા એવી પણ બને કે અંગૂઠો લઈ લીધા પછી તરત જ તનસુખગિરિ બાપુને લગાવેલી નળીઓ કાઢી લેવામાં આવી હોય. તો આ બનાવ મર્ડરમાં પણ આવી શકે છે અને આવું કોઈ પણની સાથે બની શકે છે, આ એક ડેન્જરસ ઇસ્યૂ છે.
પરંતુ સવાલ એ છે કે, આઈસીયુ વોર્ડમાં દાખલ દર્દીની સલામતી કેટલી? લોકો જ્યારે નથી બોલતા ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવા બનાવો બને છે. તેના માટે આપણે જ સંપૂર્ણ જવાબદાર છીએ. તેના માટે આપણે કોઈએ તો બોલવું જ જોઈએ.