આંગણવાડીના 16 બાળકોમાં કેન્સર અને હાર્ટ એટેકના લક્ષણો
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 21926 બાળકોની આરોગ્ય ચકાસણી દરમિયાન ચિંતાજનક આંકડાઓ બહાર આવ્યા
આજના ઝડપી જમાનામાં ઝંકફૂડ અને જીવન શૈલીના કારણે બાળકોમાં પણ ગંભીર પ્રકારના રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. વર્ષો પહેલા અમુક ઉંમર બાદ અમુક પ્રકારના રોગ થતાં હતાં. તેવું જાણકારો કહી રહ્યા છે પરંતુ હવે ફક્ત પાંચ વર્ષના બાળકોમાં પણ કેન્સર અને હાર્ટએટેકના લક્ષણો જોવા મળી રહ્યાનું મનપાના આરોગ્ય વિભાગની ટીમ આંગણવાડીના બાળકોને આરોગ્ય તપાસમાં બહાર આવી છે. જૂન માસ દરમિયાન તમામ આંગણવાડીમાં બાળકોની આરોગ્ય ચકાસણી દરમિયાન 16 બાળકોમાં કેન્સર અને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમો હેઠળ શાળાઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્ય ચકાસણી માટે કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂન માસ દરમિયાન શહેરની અલગ અલગ આંગણવાડીના તમામ બાળકોની દરેક પ્રકારની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગંભીર રોગોના ચિંતાજનક આંકડાઓ બહાર આવ્યા છે. જેમાં ખાસ કરીને બાળકોને અમુક ઉંમર બાદ ઘાતક બિમારી થઈ શકે તેવા અત્યારથી લક્ષણો જોવા મળ્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા મુજબ હાર્ટપેશન્ટ 14, કેન્સર 2, લીવરના પેશન્ટ 2, ટીબી 2, દાંતના રોગના 18, કાનમાં બહેરાશ 6 અને લોહીની ટકાવારી ઓછી એટલે કે એનેમીયાના 94 બાળકો નોંધાયા છે. કુલ 21,926 બાળકોની તપાસ દરમિયાન ગંભીર રોગના લક્ષણો ધરાવતા 54 બાળકોનું અલગથી લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકો નોર્મલ હોય છે.
પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના રોગનો ભોગ ન બને તે માટે તમામ બાળકોને સારવાર આપવામાં આવશે. તેવી જ રીતે દર માસે ચેકિંગ દરમિયાન આ પ્રકારના ગંભીર લક્ષણો ધરાવતા બાળકો આવે ત્યારે તેમની સારવાર કરી ફરી વખત કેમ્પ દરમિયાન આ બાળકોની ખાસ ચકાસણી કરાતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીમાં આવતા અતિગંભીર કુપોષિત બાળકો માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. રાજ્ય સરકારના પોષણ સંગમ કાર્યક્રમ તેમજ મિશન પોષણ આરએમસી અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની આંગણવાડીઓમાં આવતા અતિગંભીર કુપોષિત બાળકો માટે આઈ.સી.ડી.એસ વિભાગ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.03-07-2025ના રોજ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવેલ તેમજ શેર વિથ સ્માઈલ એન.જી.ઓ 280 બાળકોને પોષણ કીટ આપીને સુપોષણ બનાવવામાં મદદરૂૂપ બનેલ.
પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈ દ્વારા અતિગંભીર કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે બાળકોના વાલીઓને સરકાર તરફથી મળતા બાલ શક્તિનું મહત્વ તેમજ ખોરાકમાં દિવસમાં ચાર વખત બાલ શક્તિનો ઉપયોગ કરવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. તેમજ આગામી દિવસોમાં ચકાસણી દરમિયાન આ પ્રકારના ગંભીર રોગના લક્ષણો ધરાવતા બાળકોની યાદી જાહેર કરવામાં આવશે.
બાળકોના વાલીઓને સુચિત કરાશે
આંગણવાડીમાં અભ્યાસ કરતા કુપોષિત બાળકો માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. જેમાં જૂન માસ દરમિયાન કરેલ ચકાસણીમાં ગંભીર રોગના લક્ષણો ધરાવતા 54 બાળકો બહાર આવ્યા છે. ત્યારે અલગ અલગ રોગોના લક્ષણો હેઠળ તમામ બાળકોની સારવાર ચાલુ કરવામાં આવી છે. તેવી જ રીતે કુપોષિત ન રહે તે અંતર્ગત સરકાર દ્વારા નક્કી કરેલ કિટ આપવામાં આવી રહી છે. જ્યારે ગંભીર રોગની શક્યતા ધરાવતા બાળકોના વાલીઓને આંગણવાડી ખાતે રૂબરૂ બોલાવી આ અંગે સુચિત કરવામાં આવતા હોય છે. તેમજ ભવિષ્યમાં પણ જરૂરત પડ્યે બાળકોની સારવાર માટે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાની સૂચના પણ આપવામાં આવે છે. તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.