અરવલ્લીમાં ભાજપના લાભાર્થી કાર્યક્રમમાં ભમરાનું ઝુંડ ત્રાટકયું, 30ને ડંખ માર્યા
અરવલ્લી જિલ્લાના મેઘરજના કાલિયાકૂવામાં ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભમરાનું ઝૂંડ કાર્યક્રમ સ્થળે ઉડવા લાગતા નાસભાગ મચી હતી. લગભગ ત્રીસેક લોકોને ભમરાના ડંખ લાગ્યા હતા.
જેમાં પંદરેક જણાને ડંખની અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મેઘરજના કાલીયાકૂવા ગામે ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં ભમરાના ઝૂંડે અફરાતફરી મચાવી દીધી હતી. લગભગ ત્રીસેક લોકોને ભમરાએ ડંખ માર્યા હતા. જેને લઇ રોડ પર નાસભાગ મચી હતી. તો કોઇએ ભમરાથી બચવા માટે પાર્ક કરેલી કારની નીચે સંતાઇ જવા માટે મજબૂર બનવુ પડ્યુ હતુ.
ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠક બાદ ભોજન કાર્યક્રમ ચાલુ હતો, એ વેળા આ ઘટના બની હતી. 30થી વધુ લોકોને ભમરાના ડંખ લાગ્યા હતા, જેમાં ડંખની અસર થયેલ 15 જેટલા વ્યકિતઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ભાજપ દ્વારા દરકે જિલ્લા પંચાયત બેઠકો ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મંગળવારે મેઘરજના કાલિયાકૂવામાં બેઠક યોજવામાં આવી હતી.