ગોબર ગેસમાં સુઝુકી મોટર્સે ઝૂકાવ્યું, ગુજરાતમાં 100 પ્લાન્ટ સ્થાપશે
એનડીડીબીના 26 ટકા શેર ખરીદવા તૈયારી, સહકારી ડેરીઓ સાથે મળી ગોબર ગેસનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન
દેશમાંથી દરરોજ એક નવી પ્રતિભા ઉભરી રહી છે. સૌથી વધુ નવીનતા કૃષિ ક્ષેત્રે જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત માટે એક સારા સામાચાર મળી રહ્યા છે. કાર માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા સુઝુકી મોટર્સ એનડીડીબીના 26 ટકા શેર્સ ખરીદશે. જી હા...ગાયના ગોબરમાંથી બાયોગેસ બનાવવા પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી, સાબર ડેરી પણ ગોબરમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવાના પ્લાન્ટ નાખવા તત્પર છે. ગુજરાતના અને દેશના અન્ય વિસ્તારમાંના ગ્રામીણ જગતમાં એનડીડીબીના વર્ચસ્વનો લાભપણ સુઝુકી મોટર્સને મળશે.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના બાયોગેસના પ્લાન્ટ નાખવાના સાહસમાં હિસ્સેદારી-ભાગીદાર કરવા સુઝુકી મોટર્સ કોર્પોરેશને 26 ટકા શેર હસ્તગત કરવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠા ઉપરાંત ધાનેરા, વડગામ અને દિયોદર, ડિશા અને થરાદમાં પણ બાયોગેસના પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્રકારના અંદાજે 100 ગોબર ગેસ પ્લાન્ટ ગુજરાતમાં નાખવાનું આયોજન કરવામાં આવેલું છે. સુઝુકી મોટર્સ જુદી જુદી ડેરીઓ સાથેના સહયોગમાં ગુજરાતમાં 100 ગોબર ગેસ પ્લાન્ટ નાખવાનું આયોજન ધરાવે છે. બનાસડેરી પછી પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરી પણ બાયોગેસના પ્લાન્ટ ચાલુ કરવાની દિશામાં આગળ વધવા તત્પર છે.
ગાયના ગોબરમાંથી સીબીજી બનાવવો લાભદાયી છે. તેનાથી વાહનનું પરફોર્મન્સ પણ સારુ રહે છે. સુઝુકી મોટર્સ એનડીડીબીનો 26 ટકા શેર હિસ્સો લેવા તત્પર હોવાનો નિર્દેશ એનડીડીબીના સૂત્રોએ આપ્યો છે. અત્યારે સુઝુકી મોટર્સે એનડીડીબીના 26 ટકા શેર્સ ખરીદ્યા છે. સમય જતાં તેના શેર્સના હિસ્સામાં વધારો થઈ શકે છે. જોકે તેમેમ 49 ટકા શેર્સ માગ્યા હતા, પરંતુ ભારત સરકારે તેમને માત્ર 26 ટકા શેર્સની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે મારુતિ સુઝુકીના ગેસથી ચાલતા વાહનો જે વિસ્તારમાં મોટી સંખ્યામાં છે તે સંખ્યામાં સીબીજી ઉપલબ્ધ કરાવવાનો તેમનો ઈરાદો છે. તેમનો પહેલો પ્લાન્ટ બનાસડેરી ચલાવે છે. તેને માટે જોઈતું ભંડોળ સુઝુકી મોટર્સે પૂરું પાડયું છે. તમાંથી થનારા નફામાં સુઝુકી ભાર્ગીદારી કરશે. સુઝુકી મોટર્સની સો ટકા સબસિડિયરી સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે આ અગાઉ બનાસડેરી સાથે ગોબરમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ નાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એનડીડીબી મિરડા લિમિટેડના 26 ટકા શેર્સ તે ખરીદશે. બાકીના 74 ટકા શેર્સ એનડીડીબીને હસ્તક જ રહેશે. 26 ટકા શેર્સ ખરીદવા માટે કિંમત હવે પછી નક્કી થશે.
PNGનો સપ્લાય પણ કરાશે
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પણ ગોબર ગેસમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટેનો પ્લાન્ટ નાખવામાં રસ પડવા માંડયો છે. દરેક ઘરમાં જતાં પીએનજીનો સપ્લાય પણ આ પ્લાન્ટમાંથી જ આપવાનું આયોજન થઈ રહ્યું છે. વાહનોમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પણ તેમાંથી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને કારણે ઓછા પ્રદુષણ સાથે વાહનો દોડતા થશે સુઝુકી મોટર્સે બાયોગેસના ચાર પ્લાન્ટ બનાવવામાં રસ દાખવ્યો છે. પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવા વાહનો તૈયાર કરવા માટે સીબીજી અને સીએનજી શ્રેષ્ઠ હોવાનું સુઝુકી મોટર્સનું માનવું છે.