જૂનાગઢના આઠ વર્ષના બાળકનું શંકાસ્પદ મોત
જૂનાગઢમાં રહેતા પરિવારનો 8 વર્ષનો બાળક બિમાર પડતા તેમને તબીબની સલાહ મુજબ કમ્પાઉન્ડરે ઘરે આવી ઈન્જેક્શન આપતા તેમની તબીયત લથડી હતી અને તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. તેમના મૃત્યુનું કારણ જાણવા તબીબોએ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોટર્મ કર્યુ હતું. જૂનાગઢમાં રહેતા માહીશ મકવાણા નામના 8 વર્ષના બાળક બિમાર પડતા તેમને સૌ પ્રથમ જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યાં તબીબે ઘરેજ ઈન્જેક્શન આપવાની સલાહ આપી હતી ત્યાર બાદ હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘરે ઈન્જેક્શન આપી જતો રહ્યો હતો અને અમુક કલાકોમાં જ બાળકની તબીયત લથડતા તેમને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના રમેશભાઈ ચૌહાણ અને સ્ટાફે બનાવના કાગળો કર્યા હતાં તેમજ મૃતદેહનું ફોરેન્સીક પેનલ દ્વારા પોસ્ટમોટર્મ કરાયું હતું.
બીજા બનાવમાં માળિયા (મી)ના નાની બરાર ગામે મુન્નાભાઈની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની પુત્રી પ્રીતિ ગઈ કાલે બપોરે પોતાની વાડી પાસે રમતી હતી ત્યારે ભઠ્ઠીમાં પડી જતાં શરીરે દાઝી ગઈ હતી. જેથી તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.