પહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમ
સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામેની અપીલ ફગાવી, 18મી સુધીમાં જેલમાં હાજર થવા હુકમ
ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વર્ષ 1988ની 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા રીંબડાના અનિરૂૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી સજાનો હુકમ યથાવત રાખી ચાર અઠવાડિયામાં અનિરૂધ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા હુકમ કરાયો હતો. હાઈકોર્ટ દ્વારા સજા માફીનો હુકમ રદ કરી આજીવન સજા યથાવત રાખતાં હાઈકોર્ટના સામે અનિરૂૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં કરેલી લીવ પીટીશનની પ્રથમ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને ઝટકો આપ્યો હોય તેમ પીટીશન ફગાવી દીધી હતી અને હાઇકોર્ટનો હુકમ માન્ય રાખી આગામી તારીખ 18/ 9 સુધીમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને સરન્ડર થવા આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વર્ષ 1988ની 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં ગોંડલના કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી ધારાસભ્ય પોપટપભાઈ સોરઠીયાની હત્યા કરનાર અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશકુમારની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી.
જો કે અનિરૂધ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતાં. અનિરૂધ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. બાદમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018નાં રોજ જેલના એ.ડી.જી.પી. ટી.એસ.બીષ્ટને પત્ર લખીને સજા માફી પર મુકત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતાં. જેની સામે સ્વ.ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી દાખલ કરીને અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી હતી. આ અરજીના આધારે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, પૂર્વ એ.ડી.જી.પી. ટી.એસ.બીષ્ટ અને અનિરૂધ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા હતાં. સજા માફીને પડકારતી રીટ અરજીની સુનાવણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલી જેલમાંથી મુકત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી અને હાઈકોર્ટના ન્યાયધીશ એચ.ડી.સુથારે સરકારે કઈ જોગવાઈના આધારે સજા માફીનો લાભ આપ્યો તેનો ખુલાસો માંગ્યો હતો.
તેમજ જેલ વિભાગ અધિકારીને તેમજ સરકાર પક્ષ તરફથી સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતાં. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો હોવાનું માની હાઈકોર્ટ દ્વારા અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેની બાકીની સજા ભોગવવા માટે અનિરૂધ્ધસિંહ જાડેજાને ચાર સપ્તાહમાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો.
સજા માફી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામે અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા સુપ્રીમ કોર્ટમાં તા.29ના રોજ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) રજૂ કરી હતી. જે બીજા દિવસે એટલે કે તા.30ના રોજ દાખલ થઈ હતી. .સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જર્યોજની બેંચ સમક્ષ આ લીવ પીટીશનની સુનાવણી ચાલવા પર આવતાં સુપ્રીમ કોર્ટે ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટપભાઈ સોરઠીયાના હત્યા કેસમાં સંડોવાયેલા અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરતો હાઈકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરુદ્ધસિંહ જાડેજાને આગામી તારીખ 18/9 સુધીમાં કોર્ટમાં સરન્ડર થવા હુકમ કર્યો છે.