જીજી હોસ્પિટલનું સર્જરી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં, દર્દીઓના જીવનું જોખમ !
બિલ્ડિંગનું આયુષ્ય પૂરૂ…!!: બહારથી રંગરોગાનને કારણે નવું દેખાતું આ બિલ્ડિંગ અંદરથી ‘ખખડી’ ગયું છે
જી.જી. હોસ્પિટલનું સર્જરી બિલ્ડીંગ દેખાવમાં નવું હોવા છતાં અંદરથી જર્જરિત હાલત છે. આ બિલ્ડીંગની બારીઓના છજાંઓની દયનીય સ્થિતિ જોઈને લાગે છે કે બિલ્ડીંગનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. બહારથી રંગરોગાનને કારણે આ બિલ્ડીંગ નવું લાગે છે પરંતુ અંદરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
આ વિભાગના વોર્ડોની અંદરની હાલત હંગામી રાહત કેમ્પ જેવી છે. ક્રિટિકલ દર્દીઓ માટે પણ કોઈ જ વિશેષ કે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. આવા વિશાળ વોર્ડમાં સ્પેશિયલ રૂૂમ પણ નથી. દર્દીઓને આરામ મળવાની વાત તો દૂર રહી, પરંતુ વોર્ડનું વાતાવરણ મેળા જેવું અને બેફામ ગરમીથી ભરપૂર છે.
અતિશય ઘોંઘાટને કારણે ક્રિટિકલ દર્દીઓને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓને પીડા વધારે થતી હોય છે.જીજી હોસ્પિટલમાં હાલના ઓપીડી બિલ્ડીંગ નજીક સર્જરી બિલ્ડીંગ આવેલું છે. આ સર્જરી બિલ્ડીંગ તાજેતરના રંગરોગાનને કારણે ઓપીડી બિલ્ડીંગ કરતાં દેખાય છે નવું પણ હકીકત એ નથી. ઓપીડી બિલ્ડીંગ તોડી પાડવા માટેનું આયોજન ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે ઉલ્લેખનિય બાબત એ છે કે, સર્જરી બિલ્ડીંગ પણ જર્જરીત બની ચૂક્યું છે.
આ બિલ્ડીંગની બારીઓના છજાં સંપૂર્ણ સડી ગયા છે. ગમે ત્યારે તૂટી પડે. આ છજાં બિલ્ડીંગની તમામ છત સાથે ઈન બિલ્ટ છે, મતલબ કે છજાં માફક આખું બિલ્ડીંગ અંદરથી ખોખલું થઈ ચૂક્યું છે.અહીં અલગઅલગ ચાર વોર્ડમાં 350 જેટલાં દર્દીઓ અને 150 જેટલો તબીબો સહિતનો સ્ટાફ હોય છે. આ 500 લોકોના જીવ પર જોખમ ઝળુંબી રહ્યું છે, એમ કહેવામાં પણ અતિશયોક્તિ ન લેખાય.
આ સર્જરી બિલ્ડીંગના તમામ ચાર વોર્ડમાં મેજર અને માઈનોર ઓપરેશનવાળા દર્દીઓ હોય છે, જેમને ખરેખર તો આરામની જરૂૂર હોય છે પરંતુ આ તમામ વોર્ડમાં બેફામ ગરમી અને મેળા જેવું વાતાવરણ હોય છે, જેને કારણે દર્દીઓની માનસિક સ્થિતિઓ પર પણ અસર થતી હોય છે. ઘણાં દર્દીઓ ખૂબ જ ક્રિટિકલ સ્થિતિમાં પણ હોય છે, તેમને એકદમ શાંતિ અને આરામની જરૂૂરિયાત હોય છે પરંતુ આવડાં મોટા સર્જરી બિલ્ડીંગમાં કયાંય સ્પેશિયલ રૂૂમ પણ નથી.
આ બિલ્ડીંગમાં દર્દીઓ, તબીબો અને અન્ય સ્ટાફ ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓમાં દિવસો પસાર કરી રહ્યા હોય છે કેમ કે, સમગ્ર વોર્ડની સ્થિતિ હંગામી રાહત કેમ્પ સમાન છે- બેફામ ગરમી અને કોલાહલ. ખરેખર તો આ સર્જરી વિભાગના દરેક વોર્ડના ક્રિટિકલ દર્દીઓ માટે ખાસ અને વાતાનુકૂલિત રૂૂમ હોવા જોઈએ. આ સ્થિતિમાં બાજુનું ઓપીડી બિલ્ડીંગ તોડી પાડી ત્યાં નવેસરથી આધુનિક સુવિધાઓથી સભર નવી ઈમારત નિર્માણ કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે, ત્યારે સૌ સંબંધિતોએ સામૂહિક અવાજ ઉઠાવવો આવશ્યક લેખાય કે, આ જર્જરિત સર્જરી બિલ્ડીંગને પણ તોડી પાડી ત્યાં પણ આધુનિક અને સુવિધાઓસભર નવા સર્જરી વિભાગનું નિર્માણ કરવામાં આવે. તે દરમિયાનના સમયમાં હાલનો આ સર્જરી વિભાગ 700 બેડની સુવિધાઓવાળી નવી ઈમારતમાં હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવે તો, દર્દીઓ તથા તબીબો સહિત સૌને રાહત મળે.