સુરેન્દ્રનગરના વિધાર્થીનું ઓસ્ટ્રેલિયામાં મોત: યુવકનો મૃતદેહ અમદાવાદ લવાયો, એરપોર્ટ પર સ્પેરપાર્ટ સમજી અન્યને સોપ્યો
સુરેન્દ્રનગરના વિધાર્થીનું ઓસ્ટ્રેલિયામાં મોત થયું છે. દરિયામાં ડૂબી જવાથી જવાથી ઝીલ નામના વિધાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વિધાર્થીનું સુરેન્દ્રનગરના ઝોરાવરનગર વિસ્તારમાં રહેતો હતો.. ગત 17 માર્ચે તે દરિયામાં ન્હાવા ગયો હતો. જ્યાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ઝીલના મૃતદેહને એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેના મૃતદેહને કોઇ કંપનીના સ્પેરપાર્ટ્સ સમજીને અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવતાં એરપોર્ટની ઘોર બેદરકારી સામે આવી છે. સીસીટીવી ચેક કરીને ભારે જહેમત બાદ પરિવારને વ્હાલસોયા દીકરાનો ચહેરો જોવા મળ્યો હતો. ઝીલના મૃતદેહને લઇને પરિવાર સુરેન્દ્રનગર જવા નીકળ્યો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બનાવ અંગેની જાણવા માહિતી અનુસાર ગત 17 માર્ચના રોજ ઝીલ ખોખરા ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા બીચ પર ન્હાવા માટે ગયો હતો. તેની સાથે અન્ય બે વ્યક્તિ પણ હતી. સ્વિમિંગ કરતી વખતે ઝીલ અને અન્ય બે વ્યક્તિ તણાવા લાગ્યા હતા અને ડૂબી ગયા હતા. જેમને બ્રાયના હર્સ્ટ નામની મહિલા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ઝીલનું મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 27 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયાથી ઝીલ ખોખરાનો મૃતદેહ એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં લાવવામાં આવ્યો હતો. જોકે એરપોર્ટ પર ઝીલનો પરિવાર પહોંચ્યો ત્યારે તેમને જાણ થઇ હતી કે ઝીલના મૃતદેહને મુંબઇની કોઇ કંપનીના સ્પેરપાર્ટ્સ સમજીને અન્ય વ્યક્તિને સોપવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી અને પરિવારજનો દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા. જેમાં એક લોડિંગ ટેમ્પો જોવા મળ્યો હતો. જેની ભાળ મેળવીને ઝીલનો મૃતદેહ પરિવારે પરત મેળવ્યો હતો. ઝીલના મૃતદેહને લઇને પરિવાર સુરેન્દ્રનગર જવા નીકળ્યો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.