1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવી
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ગુજરાતની કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજા રદ કરવાની માંગ કરતી પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે (11 ડિસેમ્બર) કોર્ટે આ નિર્ણય આપ્યો. મામલો જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સંજીવ ભટ્ટ તરફથી કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી, પણ કામ ન આવી. સિબ્બલે કહ્યું કે સંજીવ ભટ્ટ 7 વર્ષ અને 3 મહિનાની સજા કાપી ચૂક્યા છે અને 5 કિલો ડ્રગ્સ મળ્યું હોવાના પ્રોસિક્યુશનના આરોપો સાબિત થયા નથી, દોષસિદ્ધિ માત્ર 1 કિલો અફીણના કારણે થઈ છે. જે કમર્શિયલ ક્વોન્ટિટી ન હતી એટલે NDPS એક્ટની કલમ 21(સી) લાગુ થઈ શકે નહીં.
વિરોધમાં સરકાર તરફથી અરજીનો વિરોધ કરતાં વકીલ મનિન્દર સિંઘે કહ્યું કે, તથ્યો આંખની સામે છે. સંજીવ ભટ્ટ એક જિલ્લામાં DSP હતા. તેમણે અફીણ ખરીદવા માટે કાવતરું રચ્યું, પૈસા આપ્યા, ગેસ્ટ હાઉસમાં મૂકાવ્યું હતું. ફાઈનલ રિકવરી 1 કિલોની હતી, પણ બાકીના 4 કિલો પણ દર્શાવી શકાય એમ છે. કમર્શિયલ ક્વોન્ટિટી 250 ગ્રામ હતી, પણ જપ્ત કરવામાં આવેલ અફીણ 1 કિલો કરતાં વધુ હતું, એટલે 20 વર્ષની સજા થઈ છે. કોર્ટે પછીથી મામલામાં હસ્તક્ષેપ કરવાની ના પાડીને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ 2018માં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર થઈ હતી. રાજસ્થાન એક વકીલે ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ પર 1996માં પાલનપુરમાં તેમના હોટેલ રૂૂમમાં અફીણ પ્લાન્ટ કરીને ફસાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ મામલે તપાસ અને ટ્રાયલ ચાલી અને માર્ચ 2024માં ભટ્ટ અને અન્ય અધિકારીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ભટ્ટને 20 વર્ષની સજા થઈ છે. તે સમયે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના ઉજઙ હતા. પછીથી સંજીવ ભટ્ટે સજા રદ કરીને જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે રાહત આપવાની ના પાડીને અરજી ફગાવી દીધી હતી. હવે સુપ્રીમે પણ કોઈ રાહત આપી નથી.