પુરવઠાના સર્વરના ધાંધિયા ચાલુ જ છે: લોકોમાં રોષ
રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને કોઈપણ રેશનીંગની દુકાનેથી આસીનીથી રેશનીંગનો માલ મળી રહે તે માટે પુરવઠા તંત્ર દ્વારા ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ઓનલાઈન સેવામાં ધાંધીયા ચાલુ જ હોવાના કારણે પુરવઠાને લગતી કોઈપણ કામગીરી થતી ન હોય જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
પુરવઠા વિભાગ દ્વારા રેશનીંગને લગતી કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે. ગરીબોને કોઈપણ રેશનીંગની દુકાનેથી અંગુઠાનો થમ અને રાશનકાર્ડ આપતાની સાથે જ રેશનીંગનો માલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પુરવઠાના સર્વરમાં ધાંધીયા હોવાના કારણે લોકોને ધરમના ધક્કા થઈ રહ્યાં છે.
પુરવઠાનું સર્વર બંધ હોવાના કારણે ગત સપ્તાહે પુરવઠા વિભાગ દ્વારા સોફટવેર અને વેબસાઈટ અપડેટ કરવા માટે એક અઠવાડિયા સુધી સર્વર બંધ રાખ્યું હતું. જેના કારણે ગત સપ્તાહમાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રેશનીંગનો સામાન મળી શકયો ન હતો. એટલું જ નહીં પરંતુ રેશનીંગમાં નામ ઉમેરવું કે કમી કરવાની કામગીરી પણ ખોરંભે પડી ગઈ હતી.
સોમવારથી પુરવઠા વિભાગે સર્વર ચાલુ કર્યુ હતું પરંતુ સર્વર ચાલુ થતાની સાથે જ ફરી બંધ થઈ જતાં બે દિવસ સુધી લોકોને ધરમના ધક્કા થયા હતાં અને હજુ સર્વરના ધાંધીયા ચાલુ જ હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને રેશનીંગના વેપારીઓ અને કાર્ડ ધારકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
સર્વરના ધાંધીયાને કારણે દરરોજ સવારે જુની કલેકટર કચેરીમાં આવેલ પુરવઠાની ઝોનલ કચેરીમાં લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. તેમજ રેશનીંગના વેપારીઓની પણ કોઈ કામગીરી થતી નહીં હોવાના કારણે તેઓ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.